• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

પશ્ચિમ એશિયા સંકટથી ભારત ચિંતિત

નવી દિલ્હી, તા. 4 : પશ્ચિમ એશિયામાં જારી લોહિયાળ સંઘર્ષને ગંભીરતાથી ધ્યાને લેતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમિતિની તાકીદની બેઠક બોલાવી હતી. ભારતે સંઘર્ષનાં સ્થાને કૂટનીતિ, સંવાદ દ્વારા સમસ્યાના સમાધાનનું આહ્વાન કર્યું છે. દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ. જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારામન તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ઇરાન દ્વારા ઇઝરાયલ પર બેલેસ્ટિક મિસાઇલ હુમલાથી સર્જાયેલી સ્થિતિનું વિશ્લેષણ બેઠકમાં કરાયું હતું. આ સંઘર્ષથી વ્યાપાર, દરિયાઇ પ્રવૃત્તિઓ, કાચાં તેલ, પેટ્રોલિયમ પેદાશોના પુરવઠાનું સંકટ જેવી અસરો પર ચર્ચા કરાઇ હતી. ઇરાન અને ઇઝરાયલ વચ્ચે હાલ જારી સંઘર્ષથી  રાતો સમુદ્ર અને એડનની ખાડીના મુખ્ય દરિયાઇ રૂટો પર સંકટ સંકટ સર્જાઇ શકે છે. ભારતના કુલ વ્યાપારનો 50 ટકા ભાગ આ દરિયાઇ રૂટ પર જ હોવાનું ધ્યાને લેતાં આ સંકટ ભારત માટે ચિંતાનો વિષય છે. ભારતે સંઘર્ષને આગળ નહીં વધારવા અને હિંસાનાં સ્થાને શાંતિપૂર્ણ સંવાદથી સમાધાનની તમામ પક્ષોને અપીલ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang