• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

પ્રથમ ટી-20 પૂર્વે ગ્વાલિયરનું સ્ટેડિયમ પોલીસ છાવણીમાં ફેરવાયું

ગ્વાલિયર, તા. 4 : ભારત અને બાંગલાદેશ વચ્ચે રવિવારે ટી-20 મેચ અગાઉ ગ્વાલિયરમાં પોલીસે વિશેષ કલમો લાગુ કરી દીધી છે. જેથી મેચનું સારી રીતે આયોજન થઇ શકે અને વિરોધીઓને કાબૂમાં રાખી શકાય. જિલ્લા કલેક્ટરે સ્ટેડિયમ આજુબાજુ વિરોધ પ્રદર્શન કરવા પર અને સોશિયલ મીડિયા પર ભડકાવ સામગ્રીનો પ્રસાર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ આદેશ સાત ઓક્ટોબર સુધી લાગુ રહેશે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે હિન્દુ મહાસભાએ બાંગલાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર મુદ્દે મેચના દિવસે (રવિવારે) ગ્વાલિયર બંધનું એલાન આપ્યું છે. આ ઉપરાંત અન્ય સંગઠનોએ પણ વિરોધ પ્રદર્શનની ધમકી આપી છે. હિન્દુ મહાસભાના કાર્યકરોએ પિચને ખોદી નાંખવાની પણ ધમકી આપી છે. જેને ધ્યાને રાખીને સ્થાનિક તંત્ર દ્વારા આ નિર્ણયો લેવામાં આવ્યા છે અને સ્ટેડિયમ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બાંગલાદેશમાં તાજેતરમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારોનો હવાલો આપીને હિન્દુ મહાસભાએ રવિવારે રમાનારો ટી-20 મેચ રદ કરવાની ઉગ્ર માંગ કરતા બુધવારે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભારત અને બાંગલાદેશ વચ્ચેનો શ્રેણીની પહેલી ટી-20 મેચ ગ્વાલિયરના માધવરાય સિંધિયા સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમમાં 14 વર્ષના લાંબા ગાળા બાદ કોઇ ઇન્ટરનેશનલ મેચ રમાશે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે લોકો અને ખેલાડીઓની સુરક્ષા માટે લગભગ 1600 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang