વડાપ્રધાન નરેન્દ્ર
મોદીના માસિક રેડિયો કાર્યક્રમ `મન કી બાત'ને ત્રીજી ઓક્ટોબરે 10 વર્ષ પૂર્ણ
થઈ રહ્યા છે. 10 વર્ષ પહેલાં ત્રીજી ઓક્ટોબરે વિજયાદશમીના દિને પ્રારંભ થયો હતો. આ
યોગાયોગ છે કે આ વર્ષે 3 ઓક્ટોબરે જ્યારે `મન કી બાત'ના 10 વર્ષ પૂર્ણ થશે, ત્યારે
નવરાત્રિનો પ્રથમ દિવસ હશે. વાસ્તવમાં રેડિયો પર દીર્ઘ સમય સુધી ચાલ્યા હોય એવા કાર્યક્રમ
ઓછા છે. દરેક એપિસોડની સાથે નવી ગાથાઓ, નવા વિક્રમો, નવા વ્યક્તિત્વો સાંકળીને સમાજમાં
સામૂહિકતાની ભાવનાથી જે કામ થઈ રહ્યું છે તેને `મન કી બાત' જેવા કાર્યક્રમથી સન્માન મળતું હોવાથી નોંધનીય છે કે, `મન કી બાત' કાર્યક્રમમાં
હંમેશાં વડાપ્રધાન અલગ અલગ ક્ષેત્રોમાં સકારાત્મક કામ કરી રહેલા, બદલાવ લાવી રહેલા
લોકો વિશે જણાવે છે અને તેઓ સાથે વાત પણ કરે છે. જેઓએ દશકાઓ કામ કર્યું હોવા છતાં પ્રાદેશિક
સ્તર સુધી જ તેઓને ઓળખ મળી હોય એવા ઘણા કર્મવીરોને રાષ્ટ્રીય ઓળખ આપી છે. જો કે, `મન કી બાત'નો સંદેશ
ઘરે ઘરે પહોંચાડવા માટે પ્રિન્ટ મીડિયાનો ફાળો પણ ઓછો નથી. `મન કી બાત'ને દસ
વર્ષ પૂર્ણ થાય તે એક અનોખી સિદ્ધિ છે. ભાગ્યે જ કોઈ રાષ્ટ્રીય નેતા હશે જેમણે આટલા
લાંબા સમય સુધી રેડિયો કાર્યક્રમ દ્વારા આમજનતાથી સંપર્ક-સંવાદનો સિલસિલો ચાલુ રાખ્યો
હોય. આ કાર્યક્રમની વ્યાપક્તા અને લોકપ્રિયતાનો અંદાજ એના પરથી આવી શકે છે કે તે બાવીસ
ભાષાઓ અને વિભિન્ન બોલીઓમાં પ્રસારિત થાય છે. આ ઉપરાંત અનેક વિદેશી ભાષાઓમાં પણ સાંભળી
શકાય છે. આ કાર્યક્રમ દ્વારા વડાપ્રધાને સમાજના અનેક મુદ્દાઓમાં જાગૃતિ લાવવાનું કામ
કર્યું છે. પછી આ મુદ્દો પર્યાવરણ સુરક્ષાનો હોય કે બેટી બચાવો અભિયાનને લોકપ્રિય બનાવવાનો
હોય કે પછી આમઆદમીથી સંકળાયેલો કોઈ અન્ય મુદ્દો હોય. વિપક્ષો તો આ કાર્યક્રમને લઈ પ્રસંગોપાત
ટીકા કરતા રહે છે. વડાપ્રધાન ફક્ત પોતાનાં મનની વાત નથી કરતા, પરંતુ દેશના સામાન્ય
લોકોની મનની વાતને દેશના લોકો સુધી પહોંચાડે છે. કાર્યક્રમ માટે વડાપ્રધાન દેશવાસીઓ
પાસેથી સલાહ-સૂચન પણ મગાવતા રહે છે. તાજા કાર્યક્રમમાં તેમણે ફરી એકવાર દેશવાસીઓને
દિવાળીના અવસરે સ્વદેશી નિર્મિત વસ્તુઓ ખરીદવા અને કોઈને ભેટ આપે તો તે મેઇક ઈન ઇન્ડિયા
હોય તે જોવાનો ખાસ અનુરોધ કર્યો છે. સમાજ અને રાષ્ટ્રનાં હિતમાંના અનેક કાર્યોમાંનું
આ એક કાર્ય છે. આજે પણ આ કાર્યક્રમ સાંભળવા રવિવારના રજાના દિવસે પણ લોકો વ્યક્તિગત
કે સમૂહમાં એકઠા થઈ વડાપ્રધાનની વાત સાંભળે છે જે એ જ બતાવે છે કે તેમનો કાર્યક્રમ
સકારાત્મક ગતિવિધિઓ પ્રેરિત કરે છે.