• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

પોલીસ પર બુટલેગરનો હુમલો : ખાખી વર્ધી સામે સવાલો

કચ્છ અને ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ લગાતાર ગતિશીલ છે. કેટલાય બનાવોમાં ખાખી વરદી ઉપરે છાંટા ઊડતા રહ્યા છે. પહેલી જુલાઇએ સોમવારે બે બનાવે આખા રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે. બોપલ અમદાવાદમાં એક પુલ ઉપર પ્રતિકલાક 200 કિલોમીટરની ગતિએ ધસમસતી ફોર્ચ્યુનર કાર થાર સાથે ધડાકાભેર અથડાતાં ત્રણનાં મોત થયાં હતાં. ઘટના ગંભીર એટલા માટે છે કે, ફોર્ચ્યુનરમાંથી મોટી માત્રામાં દારૂ ઝડપાયો હતો. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખાનગી રાહે દારૂની રેલમછેલ છે એનું પ્રમાણ વખતો વખત આવી ઘટનાઓ પરથી મળે છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુનાખોરી પ્રત્યે કડક અભિગમ ધરાવે છે. ડ્રગ્સ સામે ઝુંબેશને લીધે કરોડોનાં કેફી દ્રવ્ય પકડાયાં છે, છતાં શરાબ માફિયાઓને ઉની આંચ નથી આવી કડવી હકીકત છે. બીજી કચ્છની ઘટનાએ પણ ખાસ્સી ચકચાર જગાવી છે. એક કુખ્યાત બુટલેગરે ભચાઉ નજીક તેને રોકવાનો પ્રયાસ કરનાર પોલીસ કાફલા પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો અને સમયે તેની સાથે બાજુમાં મહિલા કોન્સ્ટેબલ બેઠેલી હતી. સોશિયલ મીડિયામાં મહિલા પોલીસની વૈભવી આદતોની તસવીરો ફરતી થઇ છે. આવી ઘટનાઓ પોલીસ તંત્રની છબીને લાંછન લગાડે છે. કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ઘટનાએ ગંભીર પ્રત્યાઘાત જન્માવ્યા છે. પોલીસની છાપ હંમેશાં શંકાના દાયરામાં રહી છે. સરકારી પગારની તુલનાએ અનેકગણું સુખી જીવન, બ્રાન્ડેડ વત્રો, ગોગલ્સ, કાર, મોંઘી બાઇક બધું સામાન્ય બની ગયું છે. પોલીસ મેન કે તેમના નબીરાઓ ઘણીવાર વાહન પર નંબરપ્લેટ સુદ્ધાં નથી લગાડતા. કાયદો ખિસ્સામાં રાખીને ફરતા હોય એવો તાલ જોવા મળે છે. તેમના માટે વિદેશી સફર પણ રૂટીન વાત હોય છે. બધું ભ્રષ્ટાચાર વગર શક્ય હોય. પોલીસ તંત્ર ભ્રષ્ટાચારમાં ખરડાયેલું હોવા છતાં કેટલાય એવા કર્મચારીઓ પણ છે, જે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે. ભ્રષ્ટ કર્મીઓ, તેમનો ઠાઠમાઠ ડિપાર્ટમેન્ટમાં અસંતોષનું કારણ બને છે. વળી આવા આડા રસ્તે ચડી ગયેલા પોલીસ કર્મચારીઓ સંવેદનશીલ મામલાઓમાં અપરાધીઓની તરફેણમાં છાને ખૂણે કામ કરતા હોવાનાય દાખલા છે. પોલીસનું કામ માત્ર કાયદો-વ્યવસ્થા પૂરતું સીમિત નથી. દેશની સંવેદનશીલ બાબતો સાથે તેનો પનારો હોય છે. એટલે કચ્છ જેવા પ્રાંતમાં બેઇમાની ખૂબ ખતરનાક પુરવાર થઇ શકે છે. મહિલા કોન્સ્ટેબલને બુટલેગર સાથે સાંઠગાંઠ હોય શું સૂચવે છે ? જવાબદારોએ ઊંડાણપૂર્વકની તપાસ કરીને કડક હાથે કામ લેવાની જરૂર છે. અહીં નોંધવું જરૂરી છે કે, ગુજરાત સરકારે પોતાના કર્મચારીઓને (ચોથા વર્ગ સિવાય) તેમની સંપત્તિની તમામ વિગતો 15મી જુલાઇ સુધીમાં જાહેર કરવાની તાકીદ કરી છે, જેમાં કર્મીએ તેમનાં પત્નીની અને પરિવારજનો સહિત બેંક ખાતાં, સંપત્તિ, આભૂષણો, રિઅલ એસ્ટેટમાં રોકાણ સહિતની બાબતો જણાવવી પડશે. નિયમ પારદર્શિતા માટે ખૂબ સારો છે, પણ કેટલા કર્મચારીઓ બધી કે સાચી વિગત આપે છે જોવાનું રહે છે. અપરાધને સંબંધ છે ત્યાં સુધી કેફી દ્રવ્યોની દાણચોરી માટે કચ્છનો કાંઠો સ્વર્ગ હોય તેટલી જંગી માત્રામાં ડ્રગ્સ પકડાતું રહ્યું છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી પગેરું પહોંચ્યું છે. સમુદ્ર કાંઠે એજન્સીઓને છૂટાછવાયા પેકેટ મળ્યા કરે છે, એની કિંમત પણ કરોડોમાં હોય છે. ડ્રગ્સ માફિયાઓ દેશદ્રોહી છે. યુવા પેઢી બરબાદ થાય એની પરવા નથી. નાપાક ઇશારે ગમે તે કરવા તૈયાર હોય છે. પોલીસ પર ગાડી ચડાવી દેવાના મામલામાં પણ ડ્રગ્સના તાર જોડાયેલા હોય તેવી સંભાવનાથી દિશામાં તપાસ થઇ રહી છે. કચ્છમાં શરાબ માફિયા કે ખનિજચોરો દ્વારા કાયદાના રક્ષકોને નિશાન બનાવવાના પ્રયાસ અગાઉ પણ થઇ ચૂક્યા છે. બે દાયકા પહેલાં ભચાઉનાં કુંજીસર પાસે દારૂ ભરેલી જીપ પોલીસ ટુકડી પર ચડાવી દેવાતાં બે વર્ધીધારી કર્મચારી શહીદ થયા હતા, ચાર વર્ષ અગાઉ પચ્છમના જુણા ખાતે ખનિજચોરી રોકવા ગયેલી પોલીસ ટુકડી પર એકસોથી વધુનાં?ટોળાંએ પથ્થરમારો કરતાં પી.એસ.આઇ. સહિત પાંચ પોલીસ ઘવાયા હતા. આવા બનાવો વધે સારું નથી. કાયદાના રક્ષકોની ધાક હોવી જોઇએ. અપરાધિક તત્ત્વોને બેફામ બનતાં રોકવાની સાથે પોલીસ તંત્ર આત્મમંથન કરે, ભ્રષ્ટાચાર સામે લાલઆંખ કરાય એની તીવ્ર આવશ્યકતા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang