• શનિવાર, 27 જુલાઈ, 2024

જે હારશે તે ફેંકાઈ જશે : આજે રાજસ્થાન-બેંગ્લોરની ટક્કર

અમદાવાદ, તા. 21 : આઇપીએલની એલિમિનેટર મેચ બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ત્રીજા નંબરની ટીમ રાજસ્થાન રોયલ્સ અને ચોથા નંબરની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાશે. મેચની પરાજિત ટીમ આઇપીએલની બહાર થશે. જ્યારે વિજેતા ટીમે ફાઇનલમાં પહોંચવા ક્વોલીફાયર-2 મેચ રમવી પડશે. જેમાં તેની સામે કોલકાતા-હૈદરાબાદ વચ્ચેની મેચની પરાજિત ટીમ હશે. રાજસ્થાન રોયલ્સ સામે સળંગ 6 જીત સાથે પ્લેઓફમાં પહોંચેલી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ હશે. આરસીબી આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે. બીજી તરફ સળંગ ચાર હાર અને આખરી મેચ વરસાદમાં ધોવાયા બાદ આરઆર ટીમ દબાણમાં છે અને તેના મનોબળને પણ અસર પહોંચી છે. આમ છતાં એકંદરે રાજસ્થાન રોયલ્સ ટીમ કાગળ પર આરસીબીથી વધુ મજબૂત છે અને તેની જીતની તકની સંભાવના વધુ આંકવામાં આવી રહી છે. એક સમયે આરસીબી ટીમ બહાર થવાના આરે હતી. પછી તેણે સનસનીખેજ વાપસી કરી અને ચોથા સ્થાન પર રહી પ્લે ઓફમાં જગ્યા બનાવી. પહેલી આઠમાંથી સાત મેચમાં ફાફ ડૂ પ્લેસિની ટીમ હારી હતી. પછી તેના માટે દરેક મેચ કરો યા મરો સમાન હતી. અંતિમ મેચમાં સીએસકે સામે 18 કે તેથી વધુ રન અંતરથી જીતની જરૂર હતી અને 27 રને જીત મેળવી પ્લેઓફમાં એન્ટ્રી કરી. બીજી તરફ રાજસ્થાન રોયલ્સની શરૂઆત જબરદસ્ત રહી હતી અને 8 જીતથી 16 અંક સાથે પ્લેઓફ નજીક પહોંચી હતી. પછી તેનો વિજયક્રમ અટકી ગયો હતો. અને સળંગ 4 હાર સહન કરી. જોસ બટલર ઇંગ્લેન્ડ પરત ફરી ચૂકયો છે. આથી તેની બેટિંગને અસર થઈ છે. યશસ્વી જયસ્વાલ મહત્ત્વના તબક્કે રન કરી રહ્યો નથી. કપ્તાન સંજુ સેમસને 04 અને રિયાન પરાગે 31 રન કરી મીડલ ઓર્ડરમાં જવાબદારી સંભાળી છે. સામે આરસીબીનો બેટિંગ આધાર વિરાટ કોહલી આસપાસ સતત નિર્ભર રહે છે. કપ્તાન પ્લેસિ, રજત પાટીદાર, કેમરૂન ગ્રીન તેના સહયોગમાં હોય છે. કોહલી 14 મેચમાં 708 રન કરી ચૂક્યો છે. તે આરસીબી માટે ફરી હુકમનો એક્કો બની શકે છે. પાછલી મેચમાં યશ દયાલ આખરી ઓવરમાં ધોનીની વિકેટ લીધી હતી અને 17 રનનો બચાવ કરી આરસીબીને જીત અપાવી હતી. તે શાનદાર ફોર્મમાં છે. સિરાજ પણ ધાર હાંસલ કરી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સપાટ પિચ પર ટોસ જીતનાર ટીમ લક્ષ્યનો પીછો કરવાનું પસંદ કરશે. મેદાન પર પહેલો દાવ લેનાર ટીમે 180 ઉપરનો સ્કોર કરવો પડશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang