• શનિવાર, 27 જુલાઈ, 2024

કાનમેર ભડાકાકાંડમાં બે રાજકીય સહિત ત્રણની સંડોવણી

ગાંધીધામ, તા. 21 : વાગડમાં જોધપરવાંઢ અને કાનમેર વચ્ચે ઘુડખર અભયારણ્યમાં મીઠાંની જમીન હડપી લેવાની લ્હાયમાં ફાયરિંગ કરી યુવાનની હત્યાના પ્રકરણમાં બે રાજકીય અને એક મીઠાં ઉદ્યોગકારનું નામ બહાર આવ્યું છે, જે પૈકી એક રાજકીય વ્યક્તિની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે બે જિલ્લા બહાર નાસી ગયા હોવાનું બહાર આવ્યું હતું. અબોલ જીવોના અભયારણ્યમાં પેશકદમી અને મીઠાંની જમીનો હડપ કરવાની લ્હાયમાં એક યુવાનનો જીવ ગયો હતો. હત્યાના પ્રકરણમાં પોલીસે અગાઉ 16 આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં એક આરોપી હજુ હાથમાં આવ્યો નથી, તેમજ બંદૂકો પણ મળી નથી  ત્યારે પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમ્યાન નરેન્દ્રદાન આર. ગઢવી, અશોકસિંહ ઝાલા અને ગાંધીધામના દિલીપ અયાચીનું નામ બહાર આવ્યું હતું, જેના પગલે પોલીસે જુદી-જુદી ટીમો બાનવી ત્રણેયના ઘરે તપાસ હાથ ધરી હતી, જે પૈકી જિલ્લા પંચાયતના સભ્યના પતિ એવા નરેન્દ્રદાન ગઢવીની પોલીસે ધરપકડ કરી લીધી હતી, જ્યારે અશોકસિંહ અને દિલીપ અયાચી જિલ્લા બહાર નાસી ગયા હતા. વિશ્વમાં ક્યાંય નથી તેવા ઘુડખરનાં અભયારણ્યમાં મીઠાંની જમીનની લ્હાયમાં રાજકીય માથાંઓએ પેશકદમી કરી છે. અગાઉ?કડોલ બાજુ સોલાર સહિતની વસ્તુઓ સાથે મીઠાંની જમીનો પર દબાણ થયાં હતાં. ત્યારે શૂરા બનેલા તંત્રએ આવાં દબાણો તોડી પાડ્યા હતા ત્યારે જોધપરવાંઢ અને કાનમેર વચ્ચે આવેલા અભયારણ્યમાં મીઠાંની લ્હાયમાં સોલાર સહિતની વસ્તુઓ સાથે દબાણો ખડકી દેવાયાં છે તે અંગે તંત્રએ કેમ ચુપકીદી સેવી છે તે પ્રશ્ન છે. ત્રણેય ભાગીદાર છે અને અભયારણ્યમાં મેદાનમાં રહેલા આરોપીઓને પૈસા સહિતની વસ્તુઓ પૂરી પાડતા હોવાનું પોલીસ તપાસ દરમ્યાન બહાર આવ્યું છે. શરૂઆતથી પ્રકરણમાં બન્ને પક્ષે રાજકીય મોટા માથાંઓનો દોરીસંચાર હોવાનો ગણગણાટ સંબંધિત લોકોમાં થઈ રહ્યો હતો. દરમ્યાન પોલીસ તપાસમાં પણ મોટાં માથાંઓના નામ બહાર આવ્યાં છે. ઘુડખર અભયારણ્યમાં હજુ વધુ પેશકદમી થાય અને કોઈના વહાલસોયાને ખોવાનો વારો આવે તે પહેલાં જિલ્લા વહીવટી તંત્ર કડક વલણ અપનાવે તે સમયની માંગ છે. પકડાયેલા શખ્સને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે તેવું પોલીસે જણાવ્યું હતું. પ્રકરણમાં પડદા પાછળ હજુ વધુ માથાંઓ સંડોવાયેલા હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang