• શનિવાર, 27 જુલાઈ, 2024

ત્રગડીની પરિણીતાને મરવા મજબૂર કર્યાની પતિ અને બે નણંદ સામે ફરિયાદ

ભુજ, તા. 21 : માંડવી તાલુકાના ત્રગડીની પરિણીતા અરૂણાબા ભરતસિંહ જાડેજાએ ઝેરી દવા પી લેતાં તેનું તા. 26/4ના સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. બનાવમાં પતિ અને બે નણંદના ત્રાસથી કંટાળીને અરૂણાબાએ આપઘાત કર્યાની ફરિયાદ અરૂણાબાના પિતાએ નોંધાવી છે. ગામ ખેડા, તા. સાણંદ, જિ. અમદાવાદ રહેતા રાજેન્દ્રસિંહ ભીખુભા જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ  સાડા એક વર્ષ પહેલાં ત્રગડીમાં ભરતસિંહ જાડેજા સાથે તેમની દીકરી અરૂણાબાને રિત-રિવાજ મુજબ લગ્ન કરાવ્યા હતા. એક વર્ષ સુધી જમાઈએ ફરિયાદીની દીકરીને બરોબર રાખ્યા બાદ આરોપી ભરતસિંહ સતુભા જાડેજા અને બે નણંદ હિનાબા તથા સોનલબા  શારીરિક તથા માનસિક ત્રાસ આપી નાની-નાની વાતોએ ઝઘડા કરતા હોઈ અગાઉ અરૂણાબાએ એસીડ પી લીધું હતું, પરંતુ સમયસર સારવારનાં પગલે ત્યારે બચી ગયા હતા. બાદ ફરિયાદી દીકરીને ઘરે તેડી લાવ્યા હતા, પણ ઘર-સંસાર બગડે તે અર્થે સમજાવીને પરત સાસરિયામાં મૂકી આવ્યા હતા. હાલ ફરી આરોપીના ત્રાસથી ઝેરી દવા પી લીધાનું સારવાર દરમ્યાન અરૂણાબાએ ફરિયાદીને જણાવ્યું હતું. સારવારમાં અરૂણાબાનું મૃત્યુ નીપજતાં આરોપીઓ વિરુદ્ધ માંડવી મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang