• શનિવાર, 27 જુલાઈ, 2024

ચાડવા રખાલ-મોમાઇ મા મંદિરનો દ્વિતીય પાટોત્સવ ઊજવાયો

ભુજ, તા. 21 : કચ્છના અંતિમ મહારાઓ સ્વ. પ્રાગમલજી ત્રીજાના સ્વપ્ન સમાન અને તેમના દ્વારા શરૂ કરેલા જાડેજા કુળના કુળદેવી મા મહામાયા મા (મોમાઇ મા)ના મંદિરનું નિર્માણકાર્ય સામત્રા નજીક આવેલ ચાડવા રખાલમાં કરાવ્યું હતું. તેમના અવસાન બાદ મહારાણી પ્રીતિદેવીની પ્રેરણાથી મંદિરનું કાર્ય પૂર્ણ થયા બાદ મહામાયા સાથે પ્રતિષ્ઠિત મા ત્રિપુરાસુંદરી, મા કાળીકા, માતા રુદ્રાણી, મા હિંગલાજ સાથે 51 શક્તિપીઠનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો. મંદિરનો દ્વિતીય પાટોત્સવ ભક્તિભાવથી ઊજવાયો હતો. છેલ્લા બે વર્ષના ગાળામાં હજારો માઇભક્તોએ અહીં આવીને માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સહત્ર ચંડીપાઠ સાથે હવન કરવામાં આવ્યો હતો, જેમાં સહત્રાધિક ભક્તોએ ભાગ લીધો હતો. મહારાણી પ્રીતિદેવીની ઉપસ્થિતિમાં ઇન્દ્રજિતસિંહજી, તેરા ઠાકોર મયૂરધ્વજસિંહજી, દેવપર ઠાકોર કૃતાર્થસિંહજી, ચંદ્રહાસ રાઠોડ, શિવરાજસિંહ જાડેજા સહપરિવારે હવનાદિ વિધિમાં ભાગ લીધો હતો. નારાયણ સરોવર તીર્થક્ષેત્રના ગાદીપતિ સોનલ લાલજી મહારાજ, કોટેશ્વર તીર્થધામના મહંત, મોટી પોશાળ જાગીરના મહંત પ્રવીણજી મેરજી ગોરજી, ભુજમાં આશાપુરા મંદિરના જનાર્દનભાઇ દવે, અબડાસા ક્ષેત્રના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો સહિતના હાજર રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang