• શનિવાર, 27 જુલાઈ, 2024

સ્માર્ટ મીટરના વિરોધ સામે સરકારે નમતું જોખ્યું

અમદાવાદ, તા. 21 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં ઠેર-ઠેર સ્માર્ટ મીટરને લઈને વિરોધ ઉગ્ર બનતાં રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. લોકોની ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવાશે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ખાસ કરીને વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ શરૂ થયો હતો. વીજ કચેરીઓ ખાતે લોકોએ હલ્લાબોલ કર્યો હતો, લોકોએ બેવડાં અને ત્રણ ગણાં બિલ આવ્યાં હોવાની ફરિયાદો કરી હતી.  વડોદરામાં 15 હજાર ઘરોમાં લગાવેલા સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. લોકોનો આક્ષેપ છે કે,  પહેલા જે મીટર હતા તેની સરખામણીએ સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે. બેલેન્સ ખાલી થઈ જતાં ઘરમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જાય છે, જેના  કારણે હાલાકી ભોગવવી પડે છે. જે બાદ આખો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. દરમિયાન વિપક્ષ પણ સ્માર્ટ મીટર મુદ્દે મેદાનમાં આવી ગયો છે. વિપક્ષે પણ સ્માર્ટ મીટર મુદ્દે ચીમકી આપી છે કે જો સ્માર્ટ મીટર લાગ્યા તો ઉગ્ર આંદોલન કરીશું. તમામ પરિસ્થતિ વચ્ચે ગાંધીનગર ખાતે સરકારની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારે એમજીવીસીએલના એમડીને તાત્કાલિક ગાંધીનગર બોલાવ્યા હતા. સાથે ઊર્જા મંત્રી અને સચિવે  એમજીવીસીએલના એમડી પાસે તમામ વિગતો પણ માગી હતી અને ગ્રાહકોના સ્માર્ટ મીટર સામેના તમામ સંશયો દૂર કરવા આદેશ કર્યો હતો. બેઠકમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો કે, હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે. વીજ ગ્રાહકોમાં થઈ રહેલી ગેરસમજને દૂર કરવા માટે પગલું લેવાશે.  સ્માર્ટ મીટર સાથે માગણી કરનાર વીજ ગ્રાહકને વધુ એક મીટર લગાવાશે.   સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત મોટો નિર્ણય પણ લેવાયો છે કે, સ્માર્ટ મીટર હવે સરકારી કચેરીઓમાં લગાવાશે. રહેણાક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં પણ સ્માર્ટ મીટર લાગશે. રહેણાક વિસ્તારમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવા પ્રયાસ હાથ ધરાયો છે. સામાન્ય જનતાની ગેરસમજ દૂર કરવા સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang