• મંગળવાર, 25 જૂન, 2024

પાંચ તબક્કા સંપન્ન; મતદારોનું મન અકળ..

લોકસભાની ચૂંટણી સમાપ્ત થવાના આરે છે, ત્યારે પાંચમા તબક્કામાં 2019ની સરખામણીમાં મતદાનની ટકાવારી ઘટી છે. રાજ્યમાં 49 બેઠક માટે મતદાન થયું તેમાં ઉત્તર પ્રદેશની બેઠક - રાયબરેલી અને અમેઠીનો સમાવેશ છે અને બંને બેઠકમાં મતદાનની ટકાવારીમાં વધારો પણ નોંધાયો છે. નોંધપાત્ર બાબત છે કે, પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 74.7 ટકા મતદાન થયું છે, જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી ઓછું - માત્ર 54.3 ટકા છે. કાશ્મીરના બારામુલ્લામાં મતદાનની ટકાવારી 34.6થી વધીને 58.7 ટકા થઈ તે બતાવે છે કે, 370મી કલમ રદબાતલ થયા પછી લોકોએ આતંકવાદી અને અલગતાવાદીઓને જવાબ આપીને જાકારો આપ્યો છે. મતદારોનું મન અને મત અકળ હોય છે. શાસક અને વિપક્ષો ઓછાં - ઘટેલાં મતદાનનું અર્થઘટન પોતાની દૃષ્ટિએ કરીને સામસામા દાવા કરી રહ્યા છે, પણ મુખ્ય પ્રશ્ન મતદારોની લાપરવાહીનો છે. વિશેષ કરીને શહેરી વિસ્તારો - મુંબઈ, થાણે, નાસિક અને લખનઊમાં મતદારોએ ઉત્સાહ નહીં - બતાવ્યાનાં કારણો વિચારવાં જોઈએ. મતદાન શાંતિપૂર્ણ થાય તેટલું પૂરતું નથી; ઉત્સાહપૂર્વક થવું જોઈએ. હવે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય પછી દિશામાં ગંભીર ચર્ચા-વિચારણા થવી જોઈએ. વિપક્ષી મોરચાએ લોકતંત્ર બચાવોથી કુપ્રચારની શરૂઆત કરી હતી, પણ મતદાન નહીં કરનારા નાગરિકોને ખાતરી છે, વિશ્વાસ છે કે, લોકતંત્ર સલામત અને સક્ષમ છે - આવો વિશ્વાસ હોય તે મતદાનમાં પ્રદર્શિત - પણ થવો જોઈએ. ચૂંટણી દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ દ્વારા વિજય અને બેઠકોના આંકડાઓને લઈને પોતપોતાના દાવા કરવા સ્વાભાવિક છે. હવે જ્યારે મોટા ભાગે મતદાન પૂરું થયું છે ત્યારે સામસામા વિજયના દાવા થઈ રહ્યા છે. સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવ કહે છે કે, ઉત્તર પ્રદેશમાં `ઇન્ડિયા' ગઠબંધનને 79 બેઠક મળશે. રાહુલ ગાંધી કહી રહ્યા છે કે, ચાર જૂન પછી નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં હોય અને ભાજપ દોઢસો બેઠક સુધી સમેટાઈ જશે. મમતા બેનરજી ભાજપને 200થી 220 બેઠક મળવાનું કહે છે. અરવિંદ કેજરીવાલ કહી રહ્યા છે કે, ભાજપની બેઠકો ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઝારખંડ - સર્વત્ર  ઘટી રહી છે. શું ખરેખર અત્યાર સુધીનાં મતદાન, માહોલ વગરેને આધાર બનાવીને આવા દાવા થઈ રહ્યા છે? આજે શું લોકો ભાજપને છોડીને સપા અને કોંગ્રેસનાં ગઠબંધનને વોટ આપશે? હાલના સમયે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પ્રજાવિહીન પડી છે. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યમાં યોગી આદિત્યનાથનું નેતૃત્વ, હિન્દુત્વ, કાયદો-વ્યવસ્થા, વિકાસ, સમાજના નીચલા વર્ગ સુધી કલ્યાણ કાર્યક્રમોનો લાભ વગેરે ભાજપની જીતનાં મુખ્ય કારણ રહ્યાં છે, જે આજે પણ વિદ્યમાન છે. માફિયાઓનાં મોત પર સપાનું જે વલણ રહ્યું, તેનાથી જનતાના એક મોટા વર્ગને લાગ્યું છે કે, યોગી આદિત્યનાથ ગુનેગારો, માફિયાઓ અને ગુંડાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે, સપા કે અન્ય પક્ષ નથી કરી રહ્યો. જો પાસાંને રાષ્ટ્રીય સ્તર પર જોઈએ, તો પ્રશ્ન થાય છે કે, જે કારણોને લઈ અને સામૂહિક મનોવિજ્ઞાન અંતર્ગત લોકોએ 2014માં સ્થાપિત રાજનીતિક શક્તિઓને ઉખેડી ફેંકી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં જનતાના નકારાત્મક અને સકારાત્મક, બન્ને પ્રકારના મત મળ્યા હતા. તત્કાલીન કેન્દ્રીય શાસન અને રાજ્યોના પક્ષો, નેતાઓની રાજનીતિ અને સત્તાની વિરુદ્ધ લોકોનો વિદ્રોહ હતો, તો મોદી અને ભાજપને વ્યાપક સમર્થન. યુપીએ સરકારનાં નિરાશાજનક પ્રદર્શનો વગેરે સાથે હિન્દુત્વ અભિપ્રેરિત રાષ્ટ્રીય ચેતના તથા એક નેતાનાં રૂપમાં નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં પ્રદર્શન અને તેમનું વ્યક્તિત્વ લોકો માટે આકર્ષણનું કારણ બન્યું છે. 2019માં ભાજપને વધારે બેઠકો મળી છે. હજી પણ બધાં કારણો ખતમ નથી થયાં. વિપક્ષો કહે છે કે, ભાજપને બહુમતી નહીં મળે, પરંતુ વિપક્ષને કેટલી બેઠકો મળશે કોઈ કહી શકતા નથી. કોંગ્રેસ તો વિજય માટે થનગની રહી છે, પણ તેના વોટની ટકાવારી અને બેઠકો અચાનક ક્યા આધાર પર વધી જશે? લોકસભાનાં  પાંચમા ચરણનું મતદાન શાંતિથી સંપન્ન થયું. આઠ રાજ્યની 49 લોકસભા બેઠક પર મતદાન થયું, સાથે લોકસભાની કુલ 543 બેઠકમાંથી 429 બેઠકનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ચૂક્યું છે. હવે બાકી રહેલાં બે ચરણમાં 114 બેઠક પર મતદાન થશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang