• શનિવાર, 27 જુલાઈ, 2024

કચ્છના ચિત્ર શિક્ષકોએ રાજ્ય સ્તરે નામના મેળવી

ગાંધીધામ, તા. 21 : ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘનો 21મો નિવૃત્ત-સંનિષ્ઠ તથા વિશિષ્ટ ચિત્ર શિક્ષકોનો સન્માન સમારંભ સુરત મુકામે યોજાયો હતો, જેમાં કચ્છ જિલ્લાના ચિત્ર શિક્ષકોએ રાજ્ય સ્તરે નામના મેળવી હતી. સમારંભના ઉદ્ઘાટક તરીકે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા તથા સમારંભના અધ્યક્ષ તરીકે કલા સંઘના અરવિંદભાઈ વાકાણી, મુખ્ય અતિથિ તરીકે કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન પટેલ, કામરેજ તાલુકા પંચાયતના સભ્ય અને શાસક પક્ષના નેતા રમેશભાઈ શિંગાળા ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘના પ્રમુખ પરેશભાઈ સેવકએ ઉપસ્થિતોને આવકાર્યા હતા. શિક્ષણ મંત્રીના હસ્તે વિવિધ જિલ્લાઓમાંથી હાજર રહેલા બાળ કલાકારો, નિવૃત્ત ચિત્ર શિક્ષકો, સંનિષ્ઠ ચિત્ર શિક્ષકો તેમજ વિશિષ્ટ સન્માન ધરાવતા શિક્ષકોને શિલ્ડ, પ્રમાણપત્ર અને ભેટ આપીને સન્માન કરાયું હતું. ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘ દ્વારા રંગપૂરણી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં કચ્છ જિલ્લા કલા શિક્ષક સંઘના પ્રમુખ બુજ્જીબાબુ દોંગાએ કચ્છમાંથી 7000થી વધારે બાળ કલાકારોની નેંધણી કરાવી હતી અને સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં તેમને શિક્ષણમંત્રીના હસ્તે મોમેન્ટો અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા તેમજ વિશિષ્ઠ ચિત્ર શિક્ષક એવોર્ડ અપાયો હતો. કલાક્ષેત્રે રાજ્ય કક્ષાએ સેવી ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીધામએ ત્રીજું સ્થાન મેળવીને કચ્છ જિલ્લાનું નામ રોશન કર્યું હતું. મોડર્ન સ્કૂલ ગાંધીધામની ચિત્ર શિક્ષિકા પ્રિયા દોંગા અને .પી. જિંદલ સ્કૂલ મુંદરાના ચિત્ર શિક્ષક ભારત ખલાસીને પણ વિદ્યાર્થીઓના ઉત્થાનમાં તેમના સમર્પણ બદલ સંનિષ્ઠ ચિત્ર શિક્ષક એવોર્ડ મળ્યો હતો. આયોજનને સફળ બનાવવા માટે કલા શિક્ષક સંઘે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang