• શનિવાર, 27 જુલાઈ, 2024

ઇન્ડિગોની ઉડાનમાં `ઓવર બુકિંગ ' : ટ્રેનની જેમ ઊભેલો જોવા મળ્યો મુસાફર !

નવી દિલ્હી, તા. 21 : મુંબઇથી વારાણસીની એક ઇન્ડિગોની ફ્લાઇટમાં ઓવર બુકિંગનાં કારણે મુસાફરો પાછળની બાજુએ ઊભા રહેલા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે ટ્રેનમાં લોકલ ડબ્બાઓમાં સ્થિતિ સ્વાભાવિક છે, પરંતુ વિમાનમાં આવું દૃશ્ય જોવા મળતાં આશ્ચર્ય સર્જાયું હતું. એક અહેવાલ અનુસાર ઘટના મુંબઇ સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકે સવારે આઠ વાગ્યે જોવા મળી હતી. વારાણસીની ઉડાનમાં ક્રૂ સભ્યને  એક વ્યક્તિ વિમાનમાં સૌથી પાછળ ઊભી જોવા મળી હતી. વિમાન ઉડવાની તૈયારીમાં હતું, પરંતુ ક્રૂ સભ્યએ પાઈલટને અંગે વિગતો આપી હતી. ત્યારબાદ  ફ્લાઇટને ફરીથી  ટર્મિનલ પર લાવવામાં આવી હતી. એક યાત્રીના જણાવ્યા મુજબ ફ્લાઇટને પરત ટર્મિનલમાં લાવ્યા બાદ ઊભેલી વ્યક્તિને  નીચે ઉતારવામાં આવી હતી. એરલાઇન્સ તરફથી દરેક કેબિન બેગ ચકાસવામાં આવી, ત્યારબાદ તે મુસાફરને નીચે ઉતારવામાં આવ્યો હતો. ચેકિંગનાં  કારણે ફ્લાઇટને ટેકઓફ કરવામાં અંદાજે કલાક જેટલું મોડું થયું હતું. બાબતે એરલાઈન્સ તરફથી કોઇ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. સામાન્ય રીતે એરલાઇન્સ કંપની ઉડાન ખાલી જવા માટે ઓવર બુકિંગ કરી લેતી હોય છે. - મુંબઈમાં વિમાનથી ટક્કરથી 36 સુરખાબ મોતને ભેટયાં : મુંબઈ, તા.21 : મુંબઈના ઘાટકોપરમાં વિમાન અથડાવાથી 36 જેટલાં સુરખાબનાં મૃત્યુ થતાં પક્ષીપ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ છે. વાસ્તવમાં, ઘાટકોપરમાં 36 સુરખાબના મૃતદેહ મળ્યા હતા. ફોરેન્સિક તપાસમાં સામે આવ્યું હતું કે વિમાનથી અથડાવાના કારણે રૂપકડાં પંખીઓનો જીવ ગયો હતો. એમિરેટ્સની ફલાઈટ ઈકે-508 ગઈકાલે રાત્રે દુબઈથી મુંબઈ આવી  રહી હતી. વિમાન જ્યારે ઘાટકોપરમાં પંતનગરના લક્ષ્મીનગર વિસ્તારમાં પહોંચ્યું ત્યારે સુરખાબનું એક ઝૂંડ વિમાનથી ટકરાયું હતું જેમાં 36 પક્ષી મોતને ભેટયાં હતાં. મુંબઈ હવાઈમથકના અધિકારીએ જણાવ્યું કે ફ્લાઈટ રાત્રે 9.18 કલાકે આવી ત્યારે પંખીઓ ટકરાવાની જાણ થઈ હતી. ઘટનામાં ફલાઈટને પણ નુકસાન થયું હતું. ફ્લાઈટમાં 310 યાત્રી સવાર હતા જોકે તેનું સકૂશળ ઉતરાણ થયું હતું. મુંબઈના ચેરિયાં સંરક્ષણ સેલના અધિક સંરક્ષક (વન) રામા રાવે કહ્યું કે ઘટનામાં 36 ફ્લેમિંગો મૃત મળ્યા હતા. ઘટનામાં કોઈ સુરખાબ ઘાયલ થયાં હતા કે કેમ તેની પણ  તપાસ કરવામાં આવી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang