• મંગળવાર, 25 જૂન, 2024

`ઉત્થાન'ની શાળાઓનાં એસએસસી પરિણામોમાં સુધારો

મુંદરા, તા. 21 : અદાણી ફાઉન્ડેશન સંચાલિત `ઉત્થાન' પ્રોજેક્ટને ઉજ્જવળ સફળતા મળી છે. તાજેતરમાં ધો. 10 બોર્ડનાં પરિણામોમાં ઉત્થાન હેઠળ ચાલતી ચાર શાળાએ 100 ટકા  પરિણામ હાંસલ કર્યું છે. જ્યારે એક શાળાનું 99.09 અને 3 શાળાનું 85 ટકાથી વધુ પરિણામ મળ્યું છે. જેમાં અઘરા વિષયો ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીનાં પરિણામોમાં પણ સુધારો જોવા મળ્યો છે. આગલા વર્ષોની સરખામણીમાં એસએસસી પરિણામોમાં 20-40 ટકા  સુધારો નોંધાયો છે. ઉત્થાનની દરેક શાળાએ સારું પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને, નવીનાળ હાઈસ્કૂલ, ધ્રબ હાઈસ્કૂલ, મોટી ખાખર હાઈસ્કૂલ અને દેશલપર હાઈસ્કૂલે સંપૂર્ણ 100 ટકા  પરિણામ હાંસલ કરી એક બેન્ચમાર્ક બનાવ્યો છે. જ્યારે ઝરપરા હાઈસ્કૂલે 99.09 ટકા, કાંડાગરા હાઈસ્કૂલે 92.30 ટકા,  ભુજપુર હાઈસ્કૂલે 86.36 ટકા અને નાની ખાખર હાઈસ્કૂલે 85.71 ટકા  પરિણામ સાથે એસએસસી  બોર્ડ પરીક્ષામાં સફળતા મેળવી છે.   અદાણી ફાઉન્ડેશન ગુજરાતના સી.એસ.આર. હેડ જણાવે છે કે, `માત્ર બે વર્ષમાં ઉત્થાન હાઇસ્કૂલનું આટલું ઉત્કૃષ્ટ પરિણામ ફાઉન્ડેશન માટે ગૌરવની વાત છે. ભવિષ્યમાં વધુ હાઇસ્કૂલ્સમાં ઉત્થાન કાર્યરત થાય તે માટે પ્રયત્નશીલ છીએ.' ગણિત, વિજ્ઞાન માટે એક ઉત્થાન સહાયક અને અંગ્રેજી માટે એક ઉત્થાન સહાયકની નિમણૂક કરવામાં આવી છે. જેનો લાભ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. પ્રોજેક્ટ ઉત્થાનનો એક ભાગ અદાણી ઇવનિંગ એજ્યુકેશન સેન્ટર્સ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 2018-19માં શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટનો હેતુ પાયાના સ્તરે શિક્ષણના પરિણામો વધારવાનો છે. કચ્છની 69 પ્રાથમિક શાળા અને 16 હાઇસ્કૂલ, 13000 જેટલા વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ રહ્યા છે. 2022થી બોર્ડનાં પરિણામોમાં તેના પ્રદર્શનનો ગ્રાફ સતત ઉપર થતો રહ્યો છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang