• શનિવાર, 27 જુલાઈ, 2024

ભુજના ધમધમતા માર્ગે બર્નિંગ કારથી દોડધામ

ભુજ, તા. 21 : હાલ સૂર્યપ્રકોપ ચરમસીમાએ પહોંચતાં ગરમીનો પારો મહત્તમ સ્તરે નોંધાઇ રહ્યો છે. ભીષણ ગરમીમાં આગ લાગવાની ઘટનાઓમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. બે દિવસ પૂર્વે જિલ્લા મથકના સૂરમંદિર સિનેમામાં મોટી આગનો બનાવ તાજો છે. ત્યાં આજે શહેરની વી.ડી. હાઇસ્કૂલ સામેના ધમધમતા જાહેર માર્ગ પર ચાલતી ઇકો કારમાં આગ લાગવાનો બનાવ સામે આવતાં દોડધામ થઇ હતી. સંભવત: ગેસ લીકેજના કારણે કારમાં આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં કાર ભડથું થઇ હતી. સદ્ભાગ્યે કારમાં સવાર લોકો કારમાંથી ઊતરી જતાં બચાવ થયાની વિગતો મળી છે. જો કે, જાહેર માર્ગે કારમાં લાગેલી આગથી રાહદારીઓમાં ભયનું લખલખું ફરી વળ્યું હતું. શહેરના શાકભાજીના વેપારી પોતાની સીએનજીવાળી ઇકો કાર લઇ બાળકો સાથે ખરીદી અર્થે નીકળ્યા હતા. કારની પાછળ ધુમાડા દેખાતાં વી.ડી. હાઇસ્કૂલ પાસે કાર થોભાવી પાછળ જોતાં આગ લાગ્યાનું સામે આવ્યું હતું. આથી કારમાં સવાર બધા લોકો બહાર આવી ગયા હતા. બાદ ભુજના અગ્નિશમન દળને આગ અંગે જાણ કરાતાં ફાયર ટીમ પહોંચે તે પહેલાં આગ વધુ ફેલાઇ  ચૂકી હતી અને કારમાંથી આગની જ્વાળાઓ નીકળતી હતી. ભારે ચહલ-પહલવાળા શહેરના મુખ્ય માર્ગ પર ચાલતી કારમાં આગના બનાવને પગલે માર્ગ પરથી પસાર થતા લોકોએ આગનું વિકરાળ?સ્વરૂપ જોતાં લખલખું પસાર થઇ ગયું હતું. સંભવત: કાળઝાળ  ગરમી અને હીટવેવ વચ્ચે ગેસ લીકેજ થવાના લીધે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. બીજી તરફ કારમાં આગ લાગી હોવાના ફાયર કન્ટ્રોલ રૂમમાં કોલનાં પગલે ફાયર ટીમના ભગતસિંહ જાડેજા, સુનીલ મકવાણા, જગા રબારી, સોહમપુરી ગોસ્વામી, રક્ષિત ઢોલરિયા, લલિત શર્મા અને તાલીમી સ્ટાફ જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang