ગાંધીધામ, તા. 21 : અહીંના આદિપુર ખાતે વોર્ડ 5/એ અને 5/બીમાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બની ગઈ છે. વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર ઠાલા આશ્વાસનો આપવામાં આવે છે. જેથી કંટાળીને આજે સ્થાનિકો નગરપાલિકા કચેરીમાં દોડી ગયા હતા અને માટલાં ફોડી વિરોધ દર્શાવ્યો હતો. સુધરાઇના પ્રમુખ, મુખ્ય અધિકારી વગેરેને સંબોધીને પાઠવવામાં આવેલા આવેદન સહ ચેતવણી પત્રમાં જણાવાયું છે કે, પાણી એ માનવીની મુળભુત જરૂરિયાત છે, જેનાથી અહીંના લોકો વર્ષોથી અલીપ્ત છે. ક્યારેક આવે છે અને તે પણ ઓછું, જેથી ટેન્કરો મંગાવવાની ફરજ પડી રહી છે. આ અંગે નગરપાલિકા સાથે પત્રો, આવેદનપત્રો, ગત બોડીના સમયે વારંવાર તેમજ રૂબરૂ રજૂઆત કરાઈ હતી, પરંતુ સાંત્વના આપી સંતોષ માની લેવાય છે. પત્રો અને રજુઆતોથી કંટાળીને લોકોએ સુધરાઇને ચેતવણી આપી હતી અને આગામી એક સપ્તાહમાં પાણીની સમસ્યાનો હલ નહીં આવે તો અમારે ન છુટકે હિજરત કરવાની અને ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઇ હતી. આ સહિત આ વિસ્તારમાં દબાણના મુદે પણ નાગરિકોએ અગાઉ લેખીતમાં રજુઆતો કરી હતી, પરંતુ આ બાબતે પણ કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે આ વિસ્તારમાં પાણી, દબાણ વગેરે અંગે વહેલીતકે નિર્ણય લેવા માંગ કરાઈ છે, તેમ છતાં નક્કર કાર્યવાહી નહિ થાય તો સ્થાનિકો દ્વારા હિજરત, આંદોલન અને ભગતાસિંહ ચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ અંગે કોઇ અનિચ્છનીય બનાવ બને તો તે માટે માત્ર અને માત્ર નગરપાલિકાની જવાબદારી રહેશે, તેવું પત્રમાં જણાવાયું હતું.