• શનિવાર, 27 જુલાઈ, 2024

ભારતમાં કોરોનાના 290 કેસ

નવી દિલ્હી, તા. 21 (પીટીઆઈ) : વિશ્વમાં ખાસ કરીને સીંગાપુરમાં કોરોનાના કેસોમાં ભારે ઉછાળા માટે કારણભૂત વેરિયન્ટ કેપી-વન અને કેપી-ટુના કેસો ભારતમાં પણ દેખાઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં કેપી-ટુના 290 અને કેપી-વનના 34 કેસ નોંધાયા હોવાનું સત્તાવાર આંકડામાં જણાવવામાં આવ્યું છે.  અમેરિકા અને સીંગાપુરમાં નવા વેરિયન્ટનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને જૂનમાં તે ટોચ પર પહોંચે તેવો ભય સેવાઈ રહ્યો છે જોકે ભારતમાં ખાસ ચિંતા કે ભયનું કારણ નથી એમ સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે બધા જેએન-વનના સબ વેરિયન્ટ છે અને હોસ્પિટલમાં દાખલ થવાના કે ગંભીર કેસોમાં વધારો જોવા મળ્યો નથી. જોકે ચિંતા કે ગભરાટનું કોઈ કારણ નથી કેમકે વેરિયન્ટનું પરિવર્તન ઝડપથી થતું રહેશેકેમકે તે સાર્સ-સીઓવી-ટુ જેવા વાયરસનું કુદરતી વર્તન છે એમ સૂત્રએ જણાવ્યું હતું. ડેટા અનુસાર કેપી-વનના 34 કેસ સાત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં જ્યારે પશ્ચિમ બંગાળમાં 23 કેસ સામે આવ્યા છે. અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્રમાં ચાર, ગુજરાતમાં બે, રાજસ્થાનમાં બે, ગોવા, હરિયાણા અને ઉત્તરાખંડમાં 1-1 કેસ નોંધાયા હતા.જાણકારી મુજબ પૂણેમાં કેપી.ટુ વેરિયેન્ટના સૌથી વધારે 51 કેસ નોંધાયા છે, જ્યારે થાણેમાં 20 મામલા સામે આવ્યા છે. નવો કોરોના વેરિયેન્ટ ફિલર્ટ ઓમિક્રોનનો સબ વેરિયેન્ટ છે. જો કે, તેમાં ઘણા એવા મ્યુટેશન જોવા મળ્યા છે, જે વેક્સિનની પ્રતિરક્ષા પ્રણાલીને થાપ આપવા અને માણસોમાં સંક્રમણ ઝડપી બનાવવા ક્ષમતા ધરાવે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang