નવી દિલ્હી, તા. 3 : સાત વખત વિમ્બલ્ડન
વિજેતા નોવાક જોકોવિચે ફ્રાન્સના 25મા ક્રમના ખેલાડી આર્થર રિંદરકનેચને 7-5, 6-4, 1-6, 7-6 (7-4)થી હાર આપીને
વિમ્બલ્ડન સંગ્રામના ચોથા દોરમાં પ્રવેશ કરી લીધો હતો. આ જીત સાથે દિગ્ગજ સર્બિયાઈ
ટેનિસ સ્ટારે રોજર ફેડરરના સૌથી વધુ મેચ જીતવાના ઐતિહાસિક વિક્રમની બરાબરી કરી લીધી
હતી. જોકોવિચે ઓલ ઈંગ્લેન્ડ ક્લબમાં પોતાની કારકિર્દીની 105મી જીત મેળવી હતી. સાથોસાથ
39 વર્ષીય ખેલાડીએ ઓપન એરમાં 18મી વાર વિમ્બલ્ડનના અંતિમ 16માં પહોંચીને ફેડરરના વધુ એક વિક્રમની બરાબરી
કરી લીધી હતી. મેચ બાદ જોકોવિચે જણાવ્યું હતું કે,
આ રમતના ઈતિહાસનો હિસ્સો બનવું મારા માટે સન્માન અને સદ્ભાગ્યની વાત
છે. ખાસ કરીને વિમ્બલ્ડન હંમેશાં મારી ડ્રીમ ટૂર્નામેન્ટ રહી છે, તેવું બોલતાં તેણે મજાકભર્યા અંદાજમાં કહ્યું હતું, હવે
106મી જીત માટે મારો અને રોજરનો
મુકાબલો કરાવો. હવે જોકોવિચનો સામનો રશિયાના ક્વોલિફાયર રોમન સાફિઉલિન સામે થશે. તેમાં
જીતશે તો સર્બિયાઈ ખેલાડી પોતાની કારકિર્દીની 66મી ગ્રાન્ડસ્લેમ ક્વાર્ટર ફાઈનલ અને વિમ્બલ્ડનની 17મી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લેશે.
બીજી તરફ, વર્તમાન વિજેતા યાનિક સિનરે શાનદાર પ્રદર્શન
કરતાં પુરુષ સિંગલ્સના અંતિમ-16માં સ્થાન મેળવી લીધું હતું. સિનરે લગાતાર પાંચમીવાર અંતિમ-16માં સ્થાન મેળવીને નવો વિક્રમ પોતાનાં નામે
કરી લીધો હતો.