• ગુરુવાર, 02 જુલાઈ, 2026

ગરમીથી યુરોપ બેહાલ

શીતાગાર જેવા યુરોપિયન દેશોમાં ભઠ્ઠી જેવી ગરમીને કારણે 1300 જેટલાં મોત આખાં વિશ્વ માટે ચોંકાવનારી બાબત છે. બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ, ઈટલી, પોલેન્ડ, ચેક પ્રજાસત્તાક, સ્પેન અને બ્રિટનમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સે.ને પાર કરી ગયો છે. યુરોપિયન દેશોમાં સાતત્યપૂર્વક હીટવેવ સામાન્ય બની રહી છે. અનેક જગ્યાએ રસ્તા પીગળવા લાગ્યા છે, તો ક્યાંક રેલવેના પાટા અતિશય ગરમીને કારણે ઊખડી ગયા છે. પેરિસની 38 હોસ્પિટલના ઈમર્જન્સી ડિપાર્ટમેન્ટમાં 24 કલાકની અંદર ત્રણ હજારથી વધુ લોકોએ લૂ, ડીહાઈડ્રેશન તથા હૃદય સંબંધી સમસ્યાઓ લઈને પહોંચ્યા હતા. બ્રિટન અને ઈટલી હાઈ એલર્ટ પર છે અને સ્વિત્ઝર્લેન્ડમાં પહાડોનાં શિખર પરનો હિમ પૂર્ણપણે બહુ વહેલો પીગળી ગયાની ઘટના નોંધાઈ છે. યુરોપિયન દેશો 1976 અને 2003ની હીટવેવની ઘટનાઓને યાદ કરી રહ્યા છે. 2003માં હીટવેવને કારણે આશરે 70 હજાર લોકોનાં મોત થયાં હતાં. એ વખતે અપવાદરૂપ ગણાયેલી આ બાબત હવે નિયમિતપણે સામાન્ય બાબત થઈ રહી છે. એક તો પહેલેથી જ ઈંધણ કટોકટી અને જીવન જીવવાના અસહ્ય ખર્ચ વચ્ચે જીવી રહેલા યુરોપ માટે આ હીટવેવ ચિંતાનો વિષય છે. યુરોપની સમસ્યા વધુ ગંભીર એ કારણથી પણ છે કે, ત્યાં એરકન્ડિશનર બહુ ઓછા છે અને ઠંડા હવામાનને કારણે પંખા પણ ઓછા છે અને ઘરની બારીઓ પણ આખી ખોલી શકાતી નથી. આવામાં 40 ડિગ્રી તાપમાન યુરોપિયનો માટે અસહ્ય થઈ રહ્યું છે. ક્લાયમેટ ચેન્જનો સામનો આખું વિશ્વ કરી રહ્યું છે, પણ યુરોપ પર તેની તીવ્રતા અન્યોથી વધુ છે. 1990થી લઈને અત્યાર સુધીમાં આ ખંડના તાપમાનમાં 0.56 ડિગ્રીનો વધારો થયો છે, જે વિશ્વના બાકીના ભાગોમાં થયેલા વધારા કરતાં લગભગ બમણું છે. આનું મુખ્ય કારણ છે આર્કટિકમાં હિમનું પીગળવું અને ગ્રીન હાઉસ ગેસીસ. પર્યાવરણ સાથે થઈ રહેલાં ચેડાં અને કથળી રહેલા સંતુલનની અસરોથી કોઈ સુરક્ષિત નથી. પેરિસ કરારમાં ફોસિલ ફ્યુએલનો ઉપયોગ ઘટાડી કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડવાની દિશામાં થઈ રહેલા પ્રયાસની અસર ધીમી છે અને વિકાસશીલ દેશો પર તેઓ આનો ટોપલો ઢોળે છે. જો કે, સૌથી મોટો દેશ અમેરિકા આ કરારમાંથી બહાર નીકળી ગયો છે અને ચીન પર કોઈનું નિયંત્રણ નથી. આથી, ક્લાયમેટ બાબતે વિશ્વને ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે.  વિશ્વભરની સરકારોએ એકમેક સાથે સહકાર સાધી પોતાની નીતિઓમાં પર્યાવરણને પ્રાથમિકતા આપ્યા વિના છૂટકો નથી અન્યથા યુરોપમાં જે થઈ રહ્યું છે એ તો ટ્રેલર માત્ર છે. 

Panchang

dd