અમદાવાદ / સુરત, તા. 3 (અમારા પ્રતિનિધિ
તરફથી) : નિર્ધારિત સમયથી મોડા આવેલા મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યું છે. અનેક સિસ્ટમને
કારણે સક્રિયપણે વરસી રહેલા વરસાદે આજે સાંજના છ વાગ્યા સુધીમાં 147 તાલુકાને આવરી લીધા હતા. માંગરોળ
20 ઈંચથી બેહાલ બન્યું છે. દક્ષિણ
ગુજરાતમાં ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સૌથી વધુ 13 ઈંચ, સુરતના અંબિકામાં
12.64 ઈંચ, જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢના માળિયા હાટીનામાં
14 ઈંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન
વિભાગે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ખાસ
કરીને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા માટે અત્યંત ભારે વરસાદનું `રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. સુરતમાં ખાલી પ્લોટમાં
ભરાયેલાં પાણીના નિકાલ માટેના ખાડામાં ડૂબ જવાથી એક વર્ષથી બાળકીનું મોત થયું હતું.
નીચાણવાળા વિસ્તારો અને રહેણાક સોસાયટીઓમાં 4થી 5 ફૂટ પાણી
ભરાતાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. દ. ગુજરાતમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં.
ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના સોરઠમાં મેઘરાજાએ રૌદ્ર
સ્વરૂપ ધારણ કર્યું છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આભ ફાટયું હોય તેમ રેકોર્ડબ્રેક
કુલ 20 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેને પગલે સમગ્ર પંથક દરિયામાં ફેરવાઈ ગયો છે.
આ ઉપરાંત માળિયા હાટીનામાં 14 ઇંચ, કેશોદ અને
મેંદરડામાં 13 ઇંચ, જ્યારે ગડુમાં 10.5 ઇંચ અને વેરાવળમાં 8 ઇંચ વરસાદ નોંધાતાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત
થઈ ગયું છે. સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ભારે વરસાદ
અને પૂરનાં કારણે નદી-નાળાં છલકાતાં ગામડાંઓ સાથેના સંપર્ક તૂટયા છે. સોમનાથ-પોરબંદર
નેશનલ હાઈ-વે તેમજ કેશોદ-માંગરોળ સ્ટેટ હાઈ-વે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી
દેવાયા છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સૌથી વધુ 13.27 ઇંચ જેટલો
ભારે વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત, સુરત જિલ્લાના અંબિકામાં 12.64 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ડાંગના સુબિરમાં 11.81 ઇંચ, તાપીના ડોલવણ
ખાતે 11.3 ઇંચ અને નવસારીના વાંસદામાં
9.49 ઇંચ તેમજ ચિખલીમાં 9.13 ઇંચ વરસાદ ખાબક્યો છે. તાપીના વલોડમાં 8.86, જાંગમાં 8.39 અને વલસાડ તથા નવસારીના ગણદેવીમાં
7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ
સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેમાં જૂનાગઢના માળિયા હાટીનામાં સૌથી વધુ 11.65 ઇંચ, માંગરોળમાં
11.61 ઇંચ, કેશોદમાં 9.49 ઇંચ, મેંદરડામાં
9.65 ઇંચ, વંથલીમાં 3.98 ઇંચ વરસાદ નોંધાયો હતો.