• શનિવાર, 04 જુલાઈ, 2026

ગુજરાતમાં રથયાત્રા પૂર્વે જ જૈશ-એ-મોહમ્મદના આઠ આતંકી ઝડપાયા

અમદાવાદ, તા. 3 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યની આતંકવાદી વિરોધી સ્ક્વોડે (એટીએસ)એ ગુજરાતમાંથી વધુ એક વખત સફળતાપૂર્વક આતંકી મોડયુલનો પર્દાફાશ કર્યો છે. રથયાત્રાના થોડા જ દિવસો પૂર્વે પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના આઠ આતંકવાદી ઝડપાતાં ચકચાર મચી ગઈ છે. આ આતંકવાદીઓનો શું મનસૂબો હતો તે દિશામાં એટીએસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધ ધરાવતા ગુજરાતના સાત અને મધ્યપ્રદેશના એક આતંકવાદીને પકડી લેવાયમાં આવ્યો છે. આ કટ્ટરપંથીઓ દેશમાં પોતાનું નેટવર્ક ઊભા કરવાનો નાપાક ઈરાદો ધરાવતા હોવાની આશંકા નકારી શકાય તેમ નથી. રાજ્યના યુવાનોનું બ્રેઈનવોશ કરી આ આતંકીઓ પોતાના સ્લીપર સેલ ઊભા કરે તે પૂર્વે જ તેમના બદઈરાદાને નિષ્ફળ બનાવી દેવાયો છે. સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં અને પાટણના સિદ્ધપુરમાંથી ત્રણ-ત્રણ, જ્યારે નવસારીમાંથી એક અને મધ્યપ્રદેશના દેવાસ ખાતેથી એક આતંકીને પકડી લેવાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત એટીએસ દ્વારા હાથ ધરવામાં આવેલા આ ગુપ્ત ઓપરેશન દરમિયાન કુલ 8 આરોપીની સત્તાવાર ધરપકડ કરાઈ છે. આ આરોપીઓ ગુજરાતના જુદા-જુદા સંવેદનશીલ વિસ્તારોમાં રહીને આતંકી ફાંડિંગ અને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવાનું અને ઉશ્કેરણીજનક સાહિત્ય મોકલીને બ્રેઈનવોશ કરવાનું કામ કરતા હોવાની શંકા છે. પકડાયેલા શખ્સો પાસેથી ડિજિટલ પુરાવા, શંકાસ્પદ સાહિત્ય અને મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા છે, જેમના આધારે તેમની સઘન પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ તમામ આરોપીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સક્રિય સભ્યો છે અને પાંચ-છ મહિનાથી સંગઠન વતી ગુપ્ત રીતે કામ કરી રહ્યા હતા. તે આતંકવાદી સંગઠનના સંપર્કમાં રહીને ગુજરાત રાજ્યમાં સંગઠનનાં નેટવર્કને મજબૂત કરવા તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓ અને દેશવિરોધી કૃત્યોને આગળ ધપાવવા માટે સક્રિય હતા. ઝડપાયેલા આઠ આરોપી પૈકી સરહદી વિસ્તાર બનાસકાંઠામાં જિલ્લાના પાલનપુરમાંથી અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા (ઉ. 19), ઈબ્રાહીમ મોહમ્મદ હુસેન ઘાઘા ઉર્ફે અબુ હમઝા (ઉ. 30) અને મુદસ્સીર અબ્દુલ્લા ગાઝીવાલા (ઉ. 22)ને ઝડપી લેવાયા છે, જ્યારે પાટણના સિદ્ધપુરમાંથી ઝકરિયા દુરાની મોહમ્મદ અમ્મર ઘાઘા (ઉ. 21), મુફ્તી ફૌજાન ઈસ્માઈલ દાઉવા (ઉ. 40), મોહમ્મદ અમીન શેરા (ઉ. 21), નવસારીના ચીખલીના અંભેટા ગામનો મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવદી (ઉ. 22) અને મધ્યપ્રદેશના દેવાસથી બિલાલ દુરાની મોહમ્મદ અમ્મર ઘાઘા (ઉ. 18)ની ધરપકડ કરાઈ છે. મોડી સાંજે તમામ આતંકીઓને કડીની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આતંકીઓના આ મોડયુલ અંગે ગુજરાત એટીએસની ટીમને માહિતી મળી હતી, જેના આધારે ટેકનિકલ સર્વેલન્સ ગોઠવીને ગુજરાત અને મધ્યપ્રદેશના અલગ-અલગ શંકાસ્પદ ઠેકાણાઓ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. તમામ વિરુદ્ધ યુએપીએ એક્ટ, 1967ની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.  

Panchang

dd