નવી દિલ્હી, તા. 3 : કેન્દ્ર સરકારે
શુક્રવારે જાહેરાત કરી હતી કે, સંરક્ષણ
પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ સંપાદન પરિષદ (ડીએસી)ની બેઠકમાં ભારતીય
સેના, નૌકાદળ અને વાયુસેનાની કાર્યકારી ક્ષમતાઓને મજબૂત બનાવવા
માટે લગભગ 52,000 કરોડ
રૂપિયાની સંરક્ષણ ખરીદી દરખાસ્તોને આવશ્યકતાની સ્વીકૃતિ (એઓએન) એટલે કે સૈદ્ધાંતિક
મંજૂર કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ દરખાસ્તોમાં નૌકાદળ માટે એન્ટિ ડ્રોન સિસ્ટમ,
મિસાઇલ, કામિકાઝ ડ્રોન, માનવરહિત
હવાઈ સિસ્ટમ (યુએએસ) અને ઉચ્ચ-ઊંચાઈવાળા સર્વેલન્સ પ્લેટફોર્મની ખરીદીનો સમાવેશ થાય
છે. ભારતીય સેના માટે `આકાશ તરંગ' એન્ટિ યુએવી ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ,
મેન પોર્ટેબલ એન્ટિ ટેન્ક ગાઇડેડ મિસાઇલ (એમપીએટીજીએમ), મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ (એમઆરએસએએમ), વેરી શોર્ટ
રેન્જ એરડિફેન્સ સિસ્ટમ, ટેન્ક માટે એક્ટિવ પ્રોટેક્શન સિસ્ટમ
અને જેટ આધારિત કામિકાઝ ડ્રોન સિસ્ટમની ખરીદીને મંજૂરી આપી છે.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આકાશ તરંગ સિસ્ટમ
વિવિધ સૈન્ય એકમોને ડ્રોન જેવા માનવરહિત હવાઈ ખતરા સામે અસરકારક રક્ષણ પૂરું પાડશે.
એમપીએટીજીએમ દુશ્મનના સશત્ર અને યાંત્રિક વાહનોનો સામનો કરવાની સૈન્યના પાયદળ એકમોની
ક્ષમતાને મજબૂત બનાવશે. ગયા વર્ષે ઓપરેશન સિંદૂર દરમ્યાન પાક. તરફથી ડ્રોનનો સામનો
કરવો પડયો હતો. આ સિસ્ટમ દેશનાં યુદ્ધની ટેકનિકને મજબૂતી આપશે. વધુમાં, એમઆરએસએએમ સિસ્ટમ મધ્યમ અંતરનાં હવાઈ જોખમો સામે રક્ષણ પૂરું પાડશે,
જ્યારે વી-શોર્ડસની મલ્ટિ-સ્પેક્ટ્રલ સેન્સર ટેક્નોલોજી તેને વધુ અસરકારક
હવાઈ સંરક્ષણ પ્રદાન કરવામાં સક્ષમ બનાવશે. ટેન્કો માટે મંજૂર થયેલ સક્રિય સુરક્ષા
પ્રણાલી તેમની સંરક્ષણ ક્ષમતાઓ અને યુદ્ધ ક્ષેત્રમાં ટકી રહેવાની ક્ષમતામાં વધારો કરશે.
જેટ આધારિત કામિકાઝ ડ્રોન સિસ્ટમ્સ ઇલેક્ટ્રોનિક યુદ્ધ ક્ષમતાઓને મજબૂત બનાવતી વખતે
ઓછા ખર્ચે વધુ ઘાતકતા અને ટકી રહેવાની ક્ષમતામાં સુધારો કરશે. ભારતીય નૌકાદળ માટે,
કાઉન્સિલે મલ્ટિ ઇન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ માઇન, નેવલ
શિપબોર્ન અનમેનન્ડ એરિયલ સિસ્ટમ અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ માટે લેન્ડ બેઝ્ડ
ટેસ્ટિંગ ફેસિલિટી સ્થાપવાના પ્રસ્તાવોને મંજૂરી આપી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર,
મલ્ટિ ઈન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ માઈન દુશ્મન જહાજોની દરિયાઈ પ્રવૃત્તિઓને
પ્રતિબંધિત કરવામાં મદદ કરશે. પ્રસ્તાવિત જમીન આધારિત પરીક્ષણ સુવિધા નૌકાદળના પ્લેટફોર્મ
માટે મોટર અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ્સના વિકાસ અને પરીક્ષણમાં મહત્ત્વપૂર્ણ
ભૂમિકા ભજવશે. પરિષદે ભારતીય વાયુસેના માટે ફિક્સ્ડ વિંગ આધારિત હાઇ એલ્ટિટ્યુડ સ્યુડો
સેટેલાઇટની ખરીદીને પણ મંજૂરી આપી છે.