દેશમાં વધતાં જતાં કેફી દ્રવ્યોનાં દૂષ્ણ સામે પોલીસ અને સલામતી
દળો સહિતની વિવિધ એજન્સીઓએ અવિરત અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. ડ્રગ્સ સામેની આ ઝુંબેશને
હવે ન્યાયતંત્રના કડક ચુકાદાએ વધુ ધારદાર બનાવી છે. કચ્છની દરિયાઈ સરહદેથી ત્રણ અલગ-અલગ
બનાવમાં ભારતની અંદર રૂા. પ7પ કરોડના
હેરોઈન ઘૂસાડવાના કારસામાં ઝડપાયેલા 18 પાકિસ્તાની અને એક અફઘાની સહિત 19 દોષીને ભુજની એક અદાલતે 20 વર્ષની સખત કેદનો ધાક બેસાડતો
ચુકાદો આપીને ડ્રગ્સ સામેના જંગમાં ન્યાયતંત્રની મજબૂત સામેલગીરીની પ્રતીતિ કરાવી આપી
છે. ભુજના અધિક સેશન્સ જજ વી.એ. બુદ્ધે એનડીપીએસ કોર્ટના ન્યાયાધીશની રૂએ બુધવારે આપેલા
આ ચુકાદાથી દેશ અને ખાસ તો સરહદ પારના કેફી દ્રવ્યોના દાણચોરો સુધી તમામમાં ભારે ફફડાટ
જગાવ્યો હશે એ નક્કી છે. 2020, 2021 અને
2022 એમ સળંગ ત્રણ વર્ષ દરમ્યાન
દરિયાઈ માર્ગે પાકિસ્તાનથી લવાતા હેરોઈનના આ મસમોટા જથ્થાએ મોતના સામાનની આ નાપાક દાણચોરી
અંગે ભારે ચિંતા જગાવી હતી. જો કે, ડ્રગ્સ સામેના જંગમાં ન્યાયતંત્રે પણ પોતાનું યોગદાન આપીને આ તમામ કેસને ઝડપી
હાથ ધરીને સજા કરીને ન્યાયમાં વિલંબની છાપને દૂર કરી નાખી છે. સ્વાભાવિક છે કે,
અદાલતના આ ન્યાયિક ટેકાથી સલામતી એજન્સીઓને કેફી દ્રવ્યો સામેની ઝુંબેશમાં
નવું જોમ મળશે અને આવા કેસમાં સજાથી તેમને તેમના પ્રયાસો લેખે લાગતા જણાશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં
થોડાં વર્ષથી દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં કેફી દ્રવ્યોનું ચલણ વધી રહ્યંy છે. વ્યસનીઓની સંખ્યા વધી રહી છે તેમ તેમ
નશાના કારોબારનો વ્યાપ પણ વધી રહ્યો છે. આવા સંજોગોમાં પોલીસ અને અન્ય સલામતી એજન્સીઓની
સામે પડકાર પણ વધી રહ્યો છે. રાજ્ય સરકારે ડ્રગ્સનાં દૂષણને નાથવા કમર કસી છે અને વ્યાપક
કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યભરમાં ગાંજાથી માંડીને હેરોઈન અને પાર્ટી ડ્રગ્સના ઉપયોગ
કે વેપારની સામે દરોડા પડાઈ રહ્યા છે. વિશાળ દરિયાઈ સરહદ ધરાવતા કચ્છમાં ગુજરાત પોલીસના
એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા હેરોઈન કે ચરસ ઘૂસાડવાના સરહદ પારના કારસા સામે સતત જાપ્તો
રખાઈ રહ્યો છે. આ કડક બાજ નજરને લીધે જ બુધવારે અપાયેલા ચુકાદાના ત્રણે કેસ ઝડપી શકાયા
હતા. આવનારો સમય ચોમાસાંનો રહેશે, ત્યારે
તોફાની દરિયામાં મોતના સોદાગરો હિંમત કરીને તેમના નાપાક ઈરાદાને પાર પાડવા મરણિયા બનશે
એવી પૂરી શક્યતા છે. આવામાં આપણા જાંબાઝ દળોએ દરિયામાં જાપ્તાને યથાવત્ રાખવા પર ખાસ
ધ્યાન આપવાનું રહેશે. આ દળો અને એજન્સીઓના મક્કમ ઈરાદાને જોતાં ચોમાસાંના પડકારભર્યા
સમયમાં પણ તેઓ તેમની ફરજ અડગ રહીને અદા કરશે એમાં કોઈ શંકા નથી. સાથોસાથ ભુજની અદાલતે
આપેલી કડક સજાનો સરહદ પાર એક ધ્રુજાવી મૂકે એવો સંદેશ ગયો હશે જેના લીધે મોતના સોદાગરોમાં
સલામતી દળોની સાથોસાથ ભારતના ન્યાયતંત્રનો ડર તેમના ઈરાદાને થથરાવી મૂકશે. આ ચુકાદો
આવનારા આવા ગુનામાં સજાના માપદંડ સમાન બની રહેશે. આવા ધાક બેસાડતા ચુકાદા માટે ભુજની
કોર્ટ અને ન્યાયાધીશને ખાસ બિરદાવવા રહ્યા.