• શનિવાર, 04 જુલાઈ, 2026

નલિયામાં ભાનુશાલી સમાજવાડી પાસે ગટરનાં પાણીથી લોકો પરેશાન

નલિયા, તા. 3 : અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં ગટર વ્યવસ્થા અને સફાઈના અભાવે રહીશો હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને ભાનુશાલી સમાજવાડી અને શાળા નં. 2 પાસે છેલ્લા ઘણા સમયથી ગટરનાં ગંદાં પાણી રસ્તા પર વહી રહ્યાં હોવાને કારણે લોકોને ગંદાં પાણીમાંથી પસાર થવું  પડે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી. પંચાયત દ્વારા કચરાપેટી હટાવી લેવાતાં ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળે છે. ગાયો પ્લાસ્ટિક ખાઈ રહી હોવાથી ગંભીર બીમારીનો શિકાર બની રહી છે. શાળા નં. 2 પાસે માટીના ઢગલા હોવાથી વરસાદી અને ગટરનું ગંદું પાણી શાળાના પ્રાંગણમાં ભરાઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. આ અંગે સરપંચ રામજીભાઈએ જણાવ્યું હતું કે, ગટરની સમસ્યા ઉકેલવા માટે જાટિંગ મશીન મગાવવા માગણી કરી છે, જે મંજૂર થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી મળ્યું નથી. હાલ તૂટેલી લાઈનનાં સમારકામની કામગીરી શરૂ કરાઇ છે. ગટરની ગંભીર સમસ્યા અને કચરાના નિકાલ માટે ગ્રામ પંચાયતની ઉદાસીનતા સામે સ્થાનિક પ્રવીણભાઈ બુધિયાભાઈ ભાનુશાલીએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી હોવાનું યાદીમાં જણાવાયું હતું. 

Panchang

dd