ભારતની સત્તાવાર યાત્રાએ આવેલાં વડાપ્રધાન સનાએ તાકાઇચી સાથે નરેન્દ્રભાઇ મોદીની મંત્રણા સફળ રહી.
બંને દેશ વચ્ચે સંરક્ષણ, ટેક્નોલોજી,
ઊર્જા, એઆઇ સહિત આર્થિક સુરક્ષાની સમજૂતી મજબૂત
દ્વિપક્ષીય સંબંધોનું પ્રમાણ છે. પૂર્વનો વિકસિત દેશ જાપાન વૈશ્વિક રાજનીતિના વમળોમાં
પડયા વિના રાષ્ટ્રવાદ અને પ્રગતિ એ બે લક્ષ્ય સાથે આગળ ધપી રહ્યો છે. ભારત અને વિશેષ
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા પછી દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બન્યા છે.
મોદીએ જાપાની વડાપ્રધાનને પોતાના બહેન લેખાવ્યાં. નિકટતાના ફળસ્વરૂપે બંને રાષ્ટ્ર અમેરિકી ડોલર વિના વેપાર કરવા સંમત
થયા છે. દક્ષિણ એશિયા ક્ષેત્રમાં ભારતની વધતી મહત્તાનું આ પ્રમાણ છે. જાપાન ભારતમાં
છ લાખ કરોડનું મૂડીરોકાણ કરવાનું છે. ભારત માટે રશિયા ખૂબ મહત્ત્વનું મિત્ર છે. સંરક્ષણ
ક્ષેત્રમાં રૂસ સાથે મોટા વ્યવહાર છે, તો જાપાન પણ વિશેષ અગત્યતા
ધરાવતો દેશ બની ગયો છે. ભારતમાં સુઝુકી પ્લાન્ટ હોય કે મેટ્રો પ્રોજેક્ટ એ બધું જાપાનના
સહયોગને લીધે શક્ય બન્યું છે. જાપાન ભૂભાગ અને વસ્તીની દૃષ્ટિએ બહુ નાનો દેશ છે,
પરંતુ ટેક્નોલોજી, હાઇગ્રેડ સંરક્ષણ ક્ષમતા,
મૂડીરોકાણ, એઆઇ, ઇલેક્ટ્રોનિક
અને માળખાંકીય વિકાસમાં નિપુણ છે. એક એવો દેશ છે જે મૈત્રીની કિંમત સમજે છે અને સંબંધો
નિભાવવામાં માને છે. અહીં એ નોંધનીય છે કે, ભારત - જાપાન બંને
ચીનની વિસ્તારવાદી રાજનીતિથી ત્રસ્ત છે. ચીનની સરહદે દખલગીરીની ગતિવિધિ જોતાં બંને
દેશ એકબીજાનો સાથ ઝંખે એ સ્વાભાવિક છે. ચીન લદ્દાખ અને અરુણાચલમાં ઘૂસણખોરી અને પોતાની
માલિકી-હક્કના દાવા કરતું આવ્યું છે, એવો જ જાપાન સાથે વ્યવહાર
છે. સેનકાકવુ જેવા કેટલાક ટાપુ જાપાનના કબજામાં હોવા છતાં ચીન પોતાની માલિકીનો દાવો
કરે છે. જાપાન ભારતની વિકાસ પરિયોજનાનું મજબૂત ભાગીદાર છે. ભારતમાં સુઝુકી પ્લાન્ટ,
મેટ્રો રેલ ટોકિયોના સહયોગથી શક્ય બન્યું છે. વડાપ્રધાન મોદીએ યોગ્ય
જ કહ્યું છે કે, દુનિયાનાં મોટાં અર્થતંત્ર પૈકીના બે ભારત અને
જાપાન, હિન્દ પ્રશાંત ક્ષેત્ર નિયમ આધારિત રહે, સમૃદ્ધ-સ્વતંત્ર બને એવું લક્ષ્ય ધરાવે છે... ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની
ધરતી સુધી અને તેણે એક રીતે ચીનને આ ક્ષેત્રની મહાસત્તા તરીકે સ્વીકારી લીધા બાદ ભારત-જાપાન
પોતાની રણનૈતિક સ્થિતિ પર પુન:વિચાર કરે એ જરૂરી બન્યું છે. હૈદરાબાદ હાઉસમાં બંને
પીએમ વચ્ચેની દ્વિપક્ષીય વાતચીત અને સમજૂતીમાંથી આવનારી પેઢી માટે સુરક્ષિત,
સમૃદ્ધ, ટેક્નોલોજીથી સંચાલિત એશિયા માટેની પ્રતિબદ્ધતા
વ્યક્ત થાય છે. જાપાન ટેક્નોલોજી સમૃદ્ધ દેશ છે. રોબોટિક્સ ટેક્નો., સેમિકન્ડક્ટર, પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ અને ગ્રીન ટેક્નોલોજીમાં
અગ્રણી દેશ છે, જ્યારે ભારત ડિજિટલ ઇનોવેશન, સોફ્ટવેર, અંતરિક્ષ ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં
ઝડપથી ઊભરતી શક્તિ છે. આ બંનેની ક્ષમતાનો સમન્વય, ન માત્ર બંને
દેશનાં અર્થતંત્રને બલ્કે સમગ્ર ઇન્ડો પેસિફિક ક્ષેત્રને નવી દિશા આપી શકે તેમ છે.
સેમિકન્ટક્ટરનું નિર્માણ, દુર્લભ ખનિજ (રેર અર્થ) પુરવઠો,
ઇ-વાહનોની બેટરી, ગ્રીન હાઇડ્રોજન અને એઆઇ (કૃત્રિમ
બુદ્ધિમતા) જેવાં ક્ષેત્રોમાં સંયુક્ત મૂડીરોકાણ ભવિષ્યની ઔદ્યોગિક પ્રતિસ્પર્ધા સુનિશ્ચિત
કરશે. ભારત પોતાના કુશળ માનવ સંસાધન અને ઉત્પાદન ક્ષમતા સાથે ભવિષ્યનાં ઉત્પાદન કેન્દ્ર
તરીકે ઊભરી રહ્યું છે. જાપાનની ટેક્નોલોજી વિશ્વસનીયતા આ પરિવર્તનને વેગ આપી શકશે.
બંને દેશ વચ્ચે જન-જન સંપર્ક અને સહયોગ પણ મહત્ત્વના છે. ભારતીય છાત્રો, ઇજનેરો અને ટેકનિકલ નિષ્ણાતો માટે જાપાનમાં તકો વધી રહી છે. બીજી તરફ જાપાની
કંપનીઓને ભારતની યુવા અને કુશળ કાર્યશક્તિનો લાભ મળી શકે છે. અમેરિકી રાષ્ટ્રપપતિ ડોનાલ્ડ
ટ્રમ્પની અસ્થિર નીતિને લીધે વૈશ્વિક રાજકીય સંબંધો ડામાડોળ છે. જુદા-જુદા દેશો નવા
સંબંધ બાંધી રહ્યા છે. વૈશ્વિક ધરી પર નવાં સમીકરણ રચાઇ રહ્યાં છે. આજે દ્વિપક્ષીય
સંબંધો માત્ર પરસ્પર આર્થિક હિત સાચવવા પૂરતા સીમિત નથી. એકબીજાને ટેક્નોલોજી અને પોતા પાસેની કુશળતા પ્રદાન
કરવામાં આવે છે. આજે સાથે મળીને જ આગળ વધી શકાશે. ભારત-જાપાને એ દિશામાં
આશાસ્પદ પહેલ કરી છે.