• શનિવાર, 04 જુલાઈ, 2026

ક્રોએશિયા સામે રોનાલ્ડોનો એક ગોલ અને બે રેકોર્ડ

નવી દિલ્હી, તા. 3 : ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ફરી એક વખત સાબિત કર્યું છે કે, ઉમર તેના માટે માત્ર એક આંકડો છે. પોર્ટુગલના સ્ટાર કેપ્ટને ક્રોએશિયા સામે ફિફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32 મુકાબલામાં ગોલ કરીને એકસાથે બે રેકોર્ડ પોતાનાં નામે કર્યાં હતાં. 41 વર્ષની ઉમરે રોનાલ્ડો પુરુષ ફિફા વિશ્વકપના નોકઆઉટ મુકાબલામાં રમનારો અને ગોલ કરનારો સૌથી વધુ વયનો ખેલાડી બન્યો છે. ટોરંટોમાં રમાયેલી મેચમાં રોનાલ્ડોએ બીજા હાફમાં પેનલ્ટી ગોલ કરીને પોર્ટુગલને બરાબરી અપાવી હતી. આ ગોલ સાથે રોનાલ્ડો 41 વર્ષ અને 147 દિવસની ઉમરે ફિફા વિશ્વકપના નોકઆઉટ મુકાબલામાં ગોલ કરનારો સૌથી મોટી વયનો ખેલાડી બન્યો હતો. તેણે આ મામલે લિયોનેલ મેસ્સીના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. છ વિશ્વકપ રમવા છતાં આ રોનાલ્ડોની કારકિર્દીનો પહેલો નોકઆઉટ ગોલ હતો. જો કે, સમગ્ર વિશ્વકપ ઈતિહાસની વાત કરવામાં આવે તો સૌથી વધુ ઉમરે ગોલ કરવાનો રેકોર્ડ હજી પણ કેમરુનના દિગ્ગજ ખેલાડી રોજર મિલાનાં નામે છે. મિલાએ 1994ના વિશ્વકપમાં 42 વર્ષ અને 39 દિવસની ઉમરે રશિયા સામે ગોલ કર્યો હતો. આ ઉપરાંત ક્રોએશિયા સામે મેદાનમાં ઊતરતાં જ રોનાલ્ડોએ અન્ય એક રેકોર્ડ બનાવ્યો હતો. રોનાલ્ડો પુરુષ ફિફા વિશ્વકપ નોકઆઉટ મુકાબલામાં રમનારો સૌથી વધુ વયનો આઉટફીલ્ડ ખેલાડી બન્યો હતો.  

Panchang

dd