• શનિવાર, 04 જુલાઈ, 2026

કચ્છ સહિતના પાંચ જિલ્લામાં જ હવે ચોમાસું પહોંચવાનું બાકી

ભુજ, તા. 3 : જૂનમાં ચોમાસાંનું પ્રદર્શન નબળું રહ્યા બાદ જુલાઈના આરંભથી વરસાદે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ધબધબાટી બોલાવીને હવામાન વિભાગના જણાવ્યાનુસાર નૈઋઍત્યના ચોમાસાંએ ગુજરાતના મોટા ભાગના વિસ્તારને કવર કરી લીધા છે. હવે કચ્છ સહિતના પાંચ જિલ્લા એવા છે કે, જેમાં ચોમાસું પહોંચવાનું બાકી છે. રાજ્ય પર સર્જાયેલી પાંચ સિસ્ટમની અસર તળે હવામાન વિભાગે કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરી છે. વરસાદના વર્તારા વચ્ચે કચ્છમાં ધૂપછાંવનો માહોલ છવાયલો રહ્યો હતો. મહત્તમ તાપમાન 40 ડિગ્રી નજીક અટકેલું રહેતાં ગરમી-ઉકળાટ યથાવત્ રહ્યા હતા. ગઈકાલે ગાંધીધામ-અંજાર, રાપર તાલુકામાં વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. જો કે, આજે જિલ્લામાં ક્યાંયથી પણ વરસાદ વરસ્યાના અહેવાલ મળ્યા નથી. હવામાન વિશેષજ્ઞોના મતે પાકિસ્તાનમાં એન્ટિ સાયક્લોનિક  સર્ક્યુલેશનના કારણે ફુંકાતા પવનના લીધે કચ્છ સહિતના જિલ્લાઓ જે પાકની નજીક છે તેમાં ચોમાસું પહોંચવામાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાનારી સિસ્ટમની અસરથી આગામી દિવસોમાં કચ્છમાં પણ સારો વરસાદી રાઉન્ડ આવે તેવી શક્યતા ઊજળી બનતી જોવા મળી રહી છે. 

Panchang

dd