થોડા દિ' પહેલાં
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે સિંધુ જળ સમજૂતીના સંદર્ભમાં ભારતને સીધી
લશ્કરી કાર્યવાહી અને યુદ્ધની ધમકી આપી હતી. એ પછી તેના જળવાયુ પરિવર્તન મંત્રી મલિકે
બેહુદું નિવેદન કરતાં બીજી ધમકી આપી કે, પાકનું સિંધુ પાણી રોકાશે
તો તેના હાથ કાપી નાખશું. ઘરમોરચે ચોતરફથી ઘેરાયેલા પાકિસ્તાને ગંભીર આંતરિક પરિસ્થિતિથી
જનતાનું ધ્યાન ભટકાવવા આ પ્રકારની વાહિયાત વાતો કરે છે, બાકી
એ સુપેરે સમજે છે કે, મહાસમર્થ ભારત સામે એ આંખ ઊંચી કરીને જોઈ
શકે તેમ નથી. પાકિસ્તાનના શાસકો દુનિયાભરમાં ભીખનો કટોરો લઈ ફરી રહ્યા છે. સંરક્ષણમંત્રી
રાજનાથસિંહે કડક શબ્દોમાં એકથી વધુવાર સીમાપાર સંદેશ આપ્યો છે કે, ભારતને હવે છંછેડવાની રખે ભૂલ થતી, અમને કોઈ છંછેડશે
તો છોડશું નહીં. એક તરફ પાક પરસ્ત પરિબળો બન્ને દેશ વચ્ચે પુન: વાટાઘાટ શરૂ થાય તેવી
હિમાયત કરી રહ્યા છે. એ લોકો પહેલગામનો નરસંહાર ભૂલી ગયા હોય તો તેમને પાકની ખોખલી
ધમકીઓથી અંદાજ આવી જવો જોઈએ કે આતંકવાદ અને શાંતિ એક સાથે કદી ચાલી શકે નહીં. ખ્વાજા
આસિફનું બયાન તો જુઓ એ જનાબ કહે છે, `પાણી અમારી રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે અને ભારત સાથે યુદ્ધ
કરતાં અચકાશું નહીં.' અહીં એ નોંધનીય
છે કે, સિંધુ જળસંધિનો મુદ્દો પહેલગામ હુમલા સાથે સંકળાયેલો છે.
જમ્મુ-કાશ્મીરમાં નિર્દોષ પ્રવાસીઓને નિશાન બનાવીને પાક પ્રેરિત આતંકવાદીઓએ હત્યાકાંડ
આચરતાં ભારતે પાડોશી દેશ સાથે તમામ જાતના સંબંધો સ્થગિત કરી દીધા અને 1960માં વિશ્વબેન્કની મધ્યસ્થતાવાળી
સિંધુ જળસંધિ પર સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય લીધો હતો. ભારતનો રાજદ્વારી સંદેશ બહુ
સ્પષ્ટ છે. નિર્દોષ ભારતીયોનું લોહી અને નદીઓનું જળ એક સાથે વહી ન શકે. ભવિષ્યમાં પાકિસ્તાન
તરફ વહેતાં સિંધુ જળને પણ પૂરેપૂરું નિયંત્રિત કરવાનો ભારતે આકરો નિર્દેશ આપતાં ઈસ્લામાબાદમાં
ખળભળાટ મચી ગયો છે. અહીં એ નોંધનીય છે કે, 1960ની સમજૂતી અંતર્ગત ત્રણ પૂર્વીય
નદીઓ (રાવી, બિયાસ અને સતલજ)નો પૂરો
અધિકાર ભારતને મળ્યો છે, જ્યારે ત્રણ પશ્ચિમી નદીઓ (સિંધુ,
જેલમ અને ચિનાબ)ના પાણીનો મોટો હિસ્સો પાકિસ્તાનને ફાળવવામાં આવ્યો છે.
જાણકારોના કહેવા મુજબ આ સંધિ અંતર્ગત ભારતને પશ્ચિમી નદીના પાણીના ઉપયોગથી મર્યાદિત
ખેતી, પરિવહન અને પાણી રોક્યા વિના વીજળી ઉત્પન્ન કરવાનો નિર્વિવાદ
અધિકાર મળ્યો હોવા છતાં આપણે વર્ષોથી ઉદાર વલણ રાખીને પોતાના ભાગે આવતા પાણીનો ઉપયોગ
નથી કર્યો, હવે બદલાયેલા સંજોગોમાં ભારતે ચિનાબ અને બીજી નદીઓના
બેઝીન પર પોતાની અધૂરી વિકાસ પરિયોજનાઓ અને જળ વ્યવસ્થાપન યોજનાઓ પર આક્રમકતા સાથે
ધ્યાન આપવાનું શરૂ કરતાં પાકિસ્તાનની બેચેની વધી ગઈ છે. અલ નીનો પરિબળને લીધે વરસાદ
ખેંચાઈ જતાં ભારત સહિતના દેશો પર જળ સંકટનું જોખમ ઊભું છે. પાકિસ્તાનમાં તો પાણીની
કટોકટી ગંભીર છે. તેની એક તૃતિયાંશ વસતી પાણીની
અછત ભોગવી રહી છે. સિંધ અને પંજાબ પ્રાંતમાં જળ વહેંચણીને લઈને આંતરિક વિખવાદ જાગ્યો
છે. અહીં એ નોંધનીય છે કે, પાકિસ્તાનની મોટાભાગની વસતી કૃષિ આધારિત
છે. તેનું 60થી 70 ટકા જળ વિદ્યુત ઉત્પાદન સિંધુ
જળ પર નિર્ભર છે. ભારત સિંધુ જળનું કડક નિયંત્રણ શરૂ કરશે, તો પાકિસ્તાનને મોટાપાયે ઊર્જા સંકટ અને આર્થિક
નુકસાની વેઠવી પડશે. પાકિસ્તાને તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો દરવાજો
ખટખટાવીને ભારત આંતરરાષ્ટ્રીય દાયિત્વનું ઉલ્લંઘન કરતું હોવાનો આરોપ લગાવ્યો હતો,
પરંતુ તે હકીકત ભૂલી ગયું છે કે, વિએના કન્વેન્શન
ઓન ધ લો ઓફ ટ્રીટીઝમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, દ્વિપક્ષીય સંબંધોમાં
અગર કોઈ એક `મૂળભૂત પરિસ્થિતિમાં
બદલાવ' માટે
કારણભૂત બને કે સંધિના ઉદ્દેશોનું ઘોર ઉલ્લંઘન કરે તો સંધિ સસ્પેન્ડ કરી શકાય
છે. ભારતે પોતાના વલણ અને એ માટેના કારણની
વિશ્વ સમુદાયને જાણ કરી છે. પાકિસ્તાને ભારતની રણનૈતિક શક્તિ અને સામર્થ્યનો સ્વીકાર
કરવો પડશે. સિંધુ જળ સહિતના ભારતના કડક પગલાં બંધ ત્યારે જ થશે જ્યારે સીમાપારથી ભારત
ભૂમિ પર લોહી રેડાવાનું બંધ થશે.