ગાંધીધામ, તા. 3 : શહેરના કંડલા વિશેષ આર્થિક
ક્ષેત્રમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો
છે. આ વિકરાળ આગમાં કંપનીના ત્રણ શ્રમિક દાઝી જતાં ત્રણેયને સારવાર અર્થે લઇ જવાયા
હતા. આ અગાઉ પણ કાસેઝમાં આગથી શ્રમિકો દાઝી જવાના બનાવો ઉજાગર થયા છે, ત્યારે અહીં શ્રમિકોની સુરક્ષાનો મુદ્દો ફરીથી
સપાટી ઉપર આવ્યો છે. શહેરના કાસેઝમાં આવેલી રોયલ પેટ્રો ઓઇલ રિફાઇનરી એલ.એલ.પી. નામની
કંપનીમાં ગત તા. 27-6ના સાંજના ભાગે આ ચકચારી અને
ગંભીર બનાવ બન્યો હતો. કંપનીમાં જનરલ મેનેજર તરીકે કામ કરનાર તથા પોલીસમાં જાહેર કરનાર
છગન જયંતી હમીરપરા બનાવની સાંજે પોતાના ઘરે જવા નીકળ્યા હતા. તેવામાં કંપનીના માણસોએ
આગ લાગી, આગ લાગી તેવી રાડારાડ કરી દોડધામ કરી મૂકી હતી.
કંપનીના આ મેનેજર ત્યાં જતાં કંપનીના ટેન્ક ફોમ વિસ્તારમાં આગ લાગી હોવાનું તથા ત્યાંથી
ધુમાડા નીકળી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. દરમ્યાન છગન હમીરપરાએ કાસેઝ અગ્નિશમન
દળ તથા સુરક્ષા અધિકારીઓને તેની જાણ કરી હતી, સુરક્ષા આવે તે
પહેલાં કંપનીના કામદાર હંસકુમાર જ્યોતિષ રવિદાસ, અશોક પવન પાસવાન
તથા રમેશ વિરમ ભરવાડ નામના યુવાનો આગની ઝપટમાં આવી ગયા હતા. અગ્નિશમન દળે તથા અન્ય
કામદારોએ પાણીનો મારો ચલાવી ફાયર હાઇડ્રન લાઇન ચાલુ કરી ફાયર બોલ્સ, કૂલર અર્થ વડે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, પરંતુ એટલી વારમાં
આ ત્રણેય યુવાન દાઝી ગયા હતા. આગના બનાવમાં દાઝી જનારા ત્રણેય શ્રમિકને સારવાર અર્થે
લઇ જવાયા હતા, જ્યાં બે યુવાનને સારવાર બાદ રજા આપી દેવાઇ હતી,
જ્યારે હંસકુમાર ગંભીર રીતે દાઝી જતાં તે હોસ્પિટલના બિછાને જીવનની જંગ
લડી રહ્યો છે. આગનો આ બનાવ શોર્ટસર્કિટના કારણે બન્યો હોવાનું પોલીસ મથકે જણાવાયું
છે. આ બનાવમાં ખરેખર કોની બેદરકારી છે તેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. આ અગાઉ
પણ કાસેઝની કંપનીમાશં મજૂરો દાઝી જવાના બનાવો સામે આવ્યા છે, પરંતુ ફેકટરી ઇન્સ્પેક્ટર કચેરી દ્વારા ખાસ કોઇ પગલાં લેવાયાં હોય તેવું બહાર
આવ્યું નથી.