ભુજ, તા. 3 : શહેરમાં રહેતા સાહિલભાઈ મુકેશભાઈ
ઠક્કર, જ્યારે માંડવી તાલુકાના દરશડીમાં રહેતા શક્તિસિંહ
ભારુભા જાડેજા (ઉ.વ. 28) નામના યુવાનોએ
કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો,
જ્યારે મુંદરા તાલુકાના મોટા કાંડાગરામાં બોલેરો હડફેટે નરેન્દ્રસિંહ
તુંવર નામના યુવાનનું મોત થયું હતું. પોલીસે આપેલી વિગતો મુજબ, ભુજના ઉમેદનગરમાં રહેતો હતભાગી સાહિલ પોતાના ઘરે હતો ત્યારે કોઈ અકળ કારણે
ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. આ યુવાને કયા કારણે આવું અંતિમ પગલું ભર્યું તે
જાણવા સહિતની ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે તપાસ આદરી છે. બીજી બાજુ દરશડીના દરબારવાસમાં
રહેતા શક્તિસિંહે દરશડીથી લુડવા વચ્ચે આવેલી લધારામ ગોવિંદ જબુઆણીની વાડી પર કોઈ અગમ્ય
કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ મામલે ગઢશીશા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ
કરી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોટા કાંડાગરામાં મોટરસાઈકલથી નોકરી પર જતા હતભાગી
નરેન્દ્રસિંહે સામેથી આવતી જીજે 12 સીટી 4105વાળી બોલેરો
જીપકારના ચાલકે ટક્કર મારી હતી, જેમાં
ગંભીર રીતે ઘવાયેલા આ યુવકનું મોત થયું હતું. આ મામલે મુંદરા પોલીસે અકસ્માત મોતનો
ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.