ભુજ, તા. 3 : સરપટ નાકા બહાર રેલવે ફાટક
પાસે ગટરના પાઇપ પાથરવાની શરૂ થયેલી કામગીરીમાં ઝડપના અભાવે લોકો ટ્રાફિક સહિતની મુશ્કેલીથી
પરેશાની ભોગવી રહ્યા છે. વરસાદની ઋતુમાં રેલવે મથક પાસે અને રાતીતળાવડીમાં ભરાતાં પાણીની
સમસ્યાના નિકાલ માટે શરૂ થયેલી કામગીરી અઢી મહિના થયા તેમ છતાં હજુ કામ પૂરું ન થતાં
આજુબાજુના રહેવાસીઓ - ધંધાર્થીઓ નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ લેખિત-મૌખિક રજૂઆત છતાં
કામગીરીમાં ઝડપ નથી આવી રહી. કામ પાસે ચા-પાણીનો સ્ટોલ ધરાવતા તૌફિક સમા નામના ધંધાર્થીએ
જણાવ્યું હતું કે, દરરોજ ટ્રાફિકજામનાં
દૃશ્યો સર્જાય છે. વળી ખોદાયેલા ઊંડા ખાડાથી વટેમાર્ગુઓ- વાહનચાલકોને ભય સતાવી રહ્યો
છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઠેકેદાર પાસે શ્રમિકો નથી અને
મશીનરીથી કામ થતું નથી. આ બાબતે સુધરાઇના કારોબારી ચેરમેન કમલ ગઢવીનો સંપર્ક કરતાં
તેમણે જણાવ્યું કે, કામ ચાલુ છે, પણ મેન્યુઅલ
કામ થતું હોવાથી કામની ગતિ ધીમી છે. વળી મશીન દ્વારા કામ થતું નથી. તપાસ કરીને ઝડપી
કામ તરફ પ્રયાસ કરાશે. ચોમાસાંની સિઝન આવી છે, ત્યારે વરસાદી
પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ જરૂરી હોવાનું લોકોનું કહેવું છે.