ગાંધીધામ, તા. 25 : રાજસ્થાન
રોયલની ટીમને 15 હજાર કરોડમાં ખરીદાયા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ
સૌથી વધુ કિંમત 16 હજાર કરોડમાં ખરીદાઈ હતી. આ ટીમ ખરીદનારી બે મુખ્ય વ્યક્તિ
પૈકી એક માલિક મૂળ ગાંધીધામના વતની છે,
જે ભારત ઉપરાંત વિદેશમાં પણ ક્રિકેટ ટીમની માલિકી ધરાવે છે. આ અંગે
મળતી વિગતો મુજબ આદિત્ય બિરલા ગ્રુપ અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપ દ્વારા આરસીબીની
ટીમ ખરીદવામાં આવી હતી, જે સૌથી મોટી રકમની ડીલ મનાઈ રહી છે.
આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ અને
ટીઆઈએલના ચેરમેન સત્યેન
ગજવાણીએ આરસીબીની ટીમ ખરીદી છે. તે પૈકી સત્યેન ગજવાણી કચ્છનાં
આર્થિક પાટનગર ગાંધીધામ સાથે જોડાયેલા છે. શ્રી ગજવાણી એસ.આર.સી.ના પૂર્વ ચેરમેન
સ્વ. દાદી નિર્મલા ગજવાણીના પૌત્ર છે, તેમના પિતા સુરેશ
ગજવાણી આદિપુર ખાતે દાદી ગજવાણી દ્વારા સ્થાપિત કચ્છ ડિસ્ટ્રીક્ટ સમાજ કલ્યાણ મંડળ
સંચાલિત શાળા અને કોલજનું સંચાલન સંભાળી
રહ્યા છે. સત્યેન ગજવાણી વૈશ્વિક ક્રિકેટમાં મુખ્ય રોકાણકાર તરીકે જાણીતા છે. તેઓ
ત્રણ ક્રિકેટ સંસ્થામાં મહત્ત્વના પદ ઉપર જવાબદારી નિભાવી રહ્યા છે. અમેરિકામાં
વર્ષ 2023માં ગજવાણી મેજર લીગ ક્રિકેટની પણ શરૂઆત
કરાવી હતી. આ ઉપરાંત ઈંગલેન્ડમાં પણ ક્રિકેટ ટીમની માલિકી ધરાવે છે. આ ઉપરાંત
ઉત્તર અમેરિકામાં ક્રિકેટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ
વિલો ટીવીના માલિક અને સંચાલક પણ છે. આરસીબીની ટીમના માલિક ગાંધીધામના વતની
બનતા સિંધી સમાજમાં હર્ષની લાગણી પ્રસરી છે.