લખનઉ, તા.22 : ભારતની ટી-20 ટીમમાં વાપસી કરવા મહેનત કરી
રહેલો વિકેટકીપર-બેટર રિષભ પંત આઇપીએલ-2026 સીઝનમાં ત્રણ નંબર પર બેટિંગ કરવા તૈયાર છે. લખનઉ સુપર જાયન્ટ્સના
કપ્તાનના રૂપમાં પંત માટે આ સીઝન નિર્ણાયક સાબિત થઈ શકે છે. ફ્રેંચાઇઝીએ 202પના મેગા ઓકશનમાં તેના પર સૌથી
મોટી 27 કરોડની બોલી લગાવી ખરીદ્યો
હતો. જો કે પાછલી સીઝનમાં પંત અપેક્ષાકૃત દેખાવ કરી શક્યો ન હતો. આથી એક સમયે ભારતની
ત્રણેય ફોર્મેટ ટીમનો હિસ્સો બની ગયેલો પંત હવે ફકત ટેસ્ટ પૂરતો સીમિત રહી ગયો છે.
વન ડેમાં વિકેટકીપર તરીકે કેએલ રાહુલ અને ટી-20માં સંજુ સેમસન-ઇશાન કિશન સ્થાન જમાવી ચૂક્યા છે. 2024 ટી-20 વિશ્વ કપ પછીથી આ ફોર્મેટમાં
પંતની સતત બાદબાકી થઈ રહી છે. આઇપીએલની પાછલી સીઝનમાં પંતે મોટભાગે ચાર નંબર પર બેટિંગ
કરી હતી. જે દરમિયાન તેણે 133.17ના નબળા સ્ટ્રાઇક
રેટથી ફકત 269 રન કર્યા હતા. જેમાં 118 રનની અણનમ ઇનિંગ્સ સામેલ છે.
ગત સીઝનમાં લખનઉ સુપર જાયન્ટની સૌથી મોટી નબળાઈ કપ્તાન પંતની બેટિંગ અને ઝડપી બોલિંગ
રહી હતી કારણ કે મયંક અગ્રવાલ અને મોહસિન ખાન ઇજાને લીધે ઉપલબ્ધ ન હતા. હવે જો પંત
વનડાઉન બેટિંગમાં આવશે તો એલએસજીનો સ્ટાર નિકોલસ પૂરન પાછળ ધકેલાશે અને ચાર નંબર પર
આવશે. લખનઉ ટીમના કોચ જસ્ટિન લેંગરનું માનવું છે કે પંત માટે વનડાઉન પોઝિશન શ્રેષ્ઠ
બની રહેશે. તેની પાસે ઇનિંગ્સ એન્કર બનવાનો સમય રહેશે.