• સોમવાર, 23 માર્ચ, 2026

કચ્છના નાના રણમાં ભૂલા પડેલા આઠ લોકો માટે પોલીસ બની જીવનદાતા

ગાંધીધામ, તા. 22 : કચ્છના નાના રણમાં આઠ લોકો રસ્તો ભૂલી જતાં રણમાં ખોવાઇ ગયા હતા, જે અંગે સ્થાનિક આડેસર પોલીસને જાણ થતાં પોલીસે પાંચ કલાકની રઝળપાટ કરી આ આઠ લોકોને શોધી કાઢી તેમના જીવ બચાવ્યા હતા. પલાંસવામાં રહેનાર રામ ભરવાડને પોતાને ત્યાં મજૂરોની જરૂરત પડતાં તે શ્રમિકોને લેવા હળવદ બાજુ બોલેરો લઇને ગયા હતા. જ્યાંથી દાહોદ બાજુના સાતેક મજૂરોને લઇને ગઇકાલે સાંજે રામ ભરવાડ પરત પલાંસવા આવવા નીકળ્યા હતા. હળવદથી ટિકર બાજુ થઇ રણ વચાળે આ ગાડી આવી રહી હતી, પરંતુ સ્થાનિક અને જાણકાર એવા રામ ભરવાડ પણ રણની ભૂલભલૈયામાં માર્ગ ભૂલ્યા હતા અને રણમાં અટવાઇ ગયા હતા. પોતે માર્ગ ભૂલ્યા હોવાનું જણાતાં તેમણે પોતાના સાદા મોબાઇલથી ગમે તેમ કરીને ગામના સ્થાનિક મિત્રનો સંપર્ક કર્યો હતો. આ મિત્રએ બનાવની જાણ પોલીસમાં કરી હતી. પોલીસે પરિસ્થિતિનો તાગ મેળવી તેની ગંભીરતા પારખીને ગામલોકોના ટ્રેક્ટર, બોલેરો, સૂકો નાસ્તો, પાણી વગેરેની વ્યવસ્થા કરીને રાત્રે નાના રણમાં આ આઠ લોકોને શોધવા નીકળી પડી હતી. રાત્રિના સમયે પાંચેક કલાક રઝળપાટ પોલીસ અને ગામ લોકોએ કરી હતી. અંતે ભૂખ્યા, તરસ્યા આ આઠ લોકો મળી આવ્યા હતા. પોલીસની આ શોધખોળ દરમ્યાન એક સમયે પોલીસવાન પણ રણમાં ફસાઇ ગયું હતું પરંતુ ગામલોકો અને ટ્રેક્ટરની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યું હતું. પોલીસે રામ ભરવાડ હિત આઠ લોકોને પાણી, સૂકો નાસ્તો આપી ધરપત આપી હતી અને આ આઠેયને વહેલી સવારે હેમખેમ બહાર લઇ અવાયા હતા. મજૂરો અને ચાલક પરત મળી આવતાં સૌ કોઇએ હાશકારો લીધો હોવાનું આડેસર પી.આઇ. વી. એ. સેંગલે જણાવ્યું હતું. 

Panchang

dd