• રવિવાર, 22 માર્ચ, 2026

મોટા દિનારા : કતલખાના પર દરોડો

ભુજ, તા. 21 : તાલુકાના સરહદી વિસ્તાર નાના દિનારાની સીમમાં ચાલતા ગેરકાયદે કતલખાના પર ખાવડા પોલીસે અડધી રાતે સપાટો બોલાવી દરોડો પાડી ત્રણ આરોપીને ગૌવંશના માંસ અને સાધનો સાથે ઝડપી પાડયા હતા. આ દરોડા દરમ્યાન એક આરોપી નાસી છૂટયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને ખાવડાના ઇન્ચાર્જ પી.આઇ. એમ.બી. ચાવડાના માર્ગદર્શન હેઠળ ગઇકાલે રાત્રે પેટ્રોલિંગ દરમ્યાન કોન્સ. રઘુવીરસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, મોટા દિનારાની વેડપાઇ સીમમાં અલૈયાવાંઢનો મામદ અલાના હારૂન (કલાણી) સમા તેના સાગરિતો સાથે બાવળોની ઝાડીમાં ગેરકાયદે રીતે ગૌવંશનું કતલ કરી રહ્યો છે. આ બાતમીના પગલે ખાવડા પોલીસે પંચો સાથે રાખી તા. 21/3ના મધ્ય રાતે દરોડો પાડી આરોપી મામદ ઉપરાંત મામુદ અલાના (વેલા) સમા (રહે. બંને દિનારા-અલૈયાવાંઢ)ને ઝડપી લીધા હતા. દરોડા દરમ્યાન ગૌવંશનું માંસ 70 કિલો કિં. રૂા. 7000, ત્રણ છરા, એક કુહાડી, એક પાવડો, રસ્સીના મુદ્દામાલ કબજે લીધા હતા. મામદની પૂછતાછમાં તેણે જણાવ્યું કે, ગાય પોતાની માલિકીની હતી અને તેને કતલ કરવામાં પોતાની સાથે તેના જમાઇ મુસ્તાક હાસમ સમા (રહે. મોટા દિનારા) તથા તેનો કુટુંબી મજીદ અલાના (વેલા) સમા (રહે. નાના દિનારા-અલૈયાવાંઢ) નાસી છૂટયા છે. પોલીસે બાદમાં મુસ્તાકને ઝડપી લીધો હતો, જ્યારે મજીદને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે. ચારે વિરુદ્ધ ખાવડા પોલીસે પશુઓ પ્રત્યેના ઘાતીયપણા અટકાવાના અધિનિયમ તળે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. 

Panchang

dd