ભુજ, તા. 22 : કચ્છના અંતરિયાળ વિસ્તારના
લોકો નેત્રરોગમાંથી મુક્તિ મેળવે અને પ્રકાશમય જીવન જીવી શકે તેવા ઉમદા આશય સાથે કાર્યરત
`પ્રોજેક્ટ રોશની'એ વધુ એક સફળ સોપાન સર કર્યું છે. આ અભિયાન થકી
અનેક લોકોનાં જીવનમાં નવો ઉજાસ પથરાયો છે. આ પ્રોજેક્ટના 24મા મણકાની અંતર્ગત નેત્રરોગ નિદાન અને સારવાર
માટે કેમ્પનું આયોજન લેવા પટેલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના અગ્રણીઓ અને દાતાઓની ઉપસ્થિતિ
રહી હતી. કેમ્પમાં કુલ્લ 198 દર્દીને તપાસવામાં
આવ્યા હતા અને તેમાંથી 65 જેટલા દર્દીને
મોતિયાનાં ઓપરશન માટે તથા 10 દર્દી વેલ
તથા લેસર માટે તારવવામાં આવ્યા હતા. અત્યાર સુધીના 23 કેમ્પમાં 2500 દર્દીનાં
ઓપરેશન થયાં છે. કચ્છી લેવા પટેલ એજ્યુકેશન
એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા
આયોજિત આ કેમ્પમાં જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના દરેક જરૂરિયાતમંદને નિ:શુલ્ક સારવાર આપવામાં
આવે છે. કાર્યક્રમ દરમિયાન સમાજ અને ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા દાતા પરિવારોની ઉદારતાને
બિરદાવવામાં આવી હતી. આ કેમ્પ દાતા પરિવારના નારણ કલ્યાણ વેલાણી તથા વેલબાઈ નારણ વેલાણીની
સ્મૃતિમાં યોજાયો હતો અને ઉપસ્થિત મુખ્ય કેમ્પના દાતા પરિવાર તરફથી પુત્ર કાનજીભાઈ
નારાણભાઈ વેલાણી, રાધાબાઈ કાનજીભાઈ
વેલાણી, રવજીભાઈ દેવશીભાઈ ધનાણી, દેવબાઈ
રવજીભાઈ ધનાણી, ખીમજીભાઈ રામજીભાઈ વેલાણી, જસુબેન વેલાણી, વનિતાબેન રવિલાલ વેલાણી અને કાંતાબેન
જેન્તી વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા
અને કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયાએ ઉપસ્થિત
રહી સેવાનાં કાર્યમાં દાતા પરિવારની દિલેરીને બિરદાવી હતી. વરિષ્ઠ સભ્ય અરજણભાઈ પિંડોરિયા,
કરસનભાઈ મેપાણી, મનજીભાઈ પિંડોરિયા, રવજીભાઈ ગોરસિયા, લક્ષ્મણભાઈ રાઘવાની, ગોપાલભાઈ વેકરિયા, વિજયભાઈ ગોરસિયા, પૂર્વ ઉપપ્રમુખ કેશરાભાઈ પિંડોરિયા, રામજીભાઈ સેંઘણી
હાજર રહ્યા હતા. પ્રેરણા આપનારા દાતા નાનજીભાઈ પિંડોરિયાએ ખાસ ઉપસ્થિત રહી કાર્યને
બિરદાવ્યું હતું. કચ્છમિત્ર તરફથી મેનેજર મુકેશભાઈ ધોળકિયા તથા મદદનીશ વ્યવસ્થાપક હુસેનભાઈ
વેજલાણીએ ઉપસ્થિત રહી કચ્છમિત્રની રોશની કેમ્પમાં સામાજિક ઉત્તરદાયિત્વની પહેલની વાત
કરી હતી. મુકેશભાઇએ કચ્છમિત્રનો આવા કાર્યમાં સહયોગ મળતો રહેશે તેવી ખાતરી આપી હતી.
પ્રોજેક્ટ રોશની અંતર્ગત મોતિયાનાં ઓપરેશનમાં અત્યાધુનિક સુપ્રાફોબ ફોલ્ડેબલ લેન્સનો
ઉપયોગ કરવામાં આવે છે, જેથી દર્દીઓને ઝડપી અને સચોટ પરિણામ મળે
છે. આ સુવિધાને કારણે અનેક લોકો ફરીથી સૃષ્ટિનાં સૌંદર્યને નિહાળવા સક્ષમ બન્યા છે
એવું ડો. ધવલ શાહ તથા ડો. ભરત વરસાણીએ જણાવ્યું હતું. આ કેમ્પના મુખ્ય દાતા કાનજીભાઇ
નારાણ વેલાણી તરફથી ઇમરજન્સી વિભાગને ઓટોમેટિક સીપીઆર મશીનની ભેટ અપાઇ હતી,
જેનું વિધિવત રીતે લોકાર્પણ દાતા પરિવારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું
હતું.