ભુજ, તા. 22 : કચ્છમાં કાળચક્ર ફરીવળતાં જુદા-જુદા
બનાવોમાં પાંચ જિંદગી મોતના ખપ્પરમમાં હોમાઈ હતી. ગઈકાલે ભુજના પ્રમુખસ્વામી નગરમાં
રહેતી 18 વર્ષીય યુવતી કૃપાબેન કમલેશભાઈ
ગોસ્વામીએ અને ભુજ તાલુકાના બાઉખા ઓઢેજાની કંઢાણવાંઢમાં 34 વર્ષીય મહિલા જમીલાબેન કાસમભાઈ
ઓઢેજાએ ગળેફાંસો ખાઈ જીવ દીધા હતા. જ્યારે જદુરાના 40 વર્ષીય યુવાન હાસમ દાઉદ થેબા ભુજમાં પગે જઈ રહ્યા હતા ત્યારે
માર્ગ પર પડી ગયાહતા અને તેમનું મોત નીપજ્યું હતું. દરમ્યાન આદિપુરની 25 વર્ષીય યુવા પરિણીતા રાનીણી
સોનુગિરિ ગોસ્વામીએ થોડા દિવસો પહેલાં ઝેરીલો પદાર્થ ખાઈ લીધો હતો, જેનું સારવાર દરમ્યાન મૃત્યું થયું હતું. બીજીતરફ
ગઈકાલે અંજારના મેઘપર બોરીચીમાં રહેતો મૂળ બિહારનો 20 વર્ષીય યુવક સોનાકુમાર કંપનીમાં
ટ્રેકટર પરથી પડી જતાં તેણે દમ તોડી દીધો હતો. ભુજના પ્રમુખસ્વામી નગરમાં રહેતી યુવતી
કૃપાબેન ગોસ્વામીએ ગઈકાલે બપોરે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં તેને
સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત
જાહેર કર્યા હતા. એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. આ ઉપરાંત
પણ ગઈકાલે ગળેફાંસો ખાઈ જીવ દેવાનો અન્ય એક બનાવ બાઉખા ઓઢેજાની કંઢાણવાંઢમાં બન્યો
હતો, જેમાં 34 વર્ષીય મહિલા જમીલાબેન ઓઢેજાએ
પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં તેના ગામના જ સંબંધી એવા હનીફભાઈ
રમજાન સુમરા તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતાં ફરજ પરના તબીબે
મૃત ઘોષિત કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ
ચોકી ખાતે જાહેર કરાઈ હતી. બીજીતરફ ભુજના ભીડગેટ અને અમનનગર ચોકડી વચ્ચેના માર્ગ પર
ગઈકાલે સવારે જદુરાના હાસમ થેબા પગે ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ માર્ગ પર પડી
ગયા હતા. આથી તેના કૌટુંબિક ભાઈ અલીમામદ થેબા તેને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં
લઈ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં લખાવાઈ
છે. આદિપુરમાં સીબીએકમ સાતવાડીમાં રહેતી પરિણીતા રાણીની ગોસ્વામીએ ગત તા. 14/3ના બપોરે પોતાના ઘરે કોઈ અગમ્ય
કારણોસર પર સલ્ફાસ (ઝેરીલો પદાર્થ ઘઉમાં નાખવાનો પદાર્થ) પી જતાં સારવાર અર્થે ખાનગી
હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર દરમ્યાન તા. 15/3ના મૃત્યુ થયું હતું. ગઈકાલે આદિપુર પોલીસ મથકે વિગતો જાહેર
કરાતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજીતરફ અંજારના
મેઘપર બોરીચીની સર્વોદર કંપનીમાં રહેતો મૂળ બિહારનો યુવાન સોનાકુમાર ગઈકાલે સવારે કંપનીમાં
ટ્રેક્ટર પરથી પડી જતાં ગંભીર ઈજાનાં પગલે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ સારવાર કારતગ
ન નીવડતાં તેનું મૃત્યું થયું હતું. અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તજવીજ આદરી
છે.