રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રવચને ફરી એકવાર
સાંસદોના હૃદયને સીધો સ્પર્શ કર્યો, જે સાંસદોની કાર્યાવધિ સંપન્ન થઈ, તેમને વિદાય આપતાં
પીએમે કહ્યું કે, ભલે અહીંથી તેઓ જાય, પરંતુ
રાજનીતિમાં ક્યારેય કોઈ પૂર્ણવિરામ હોતું નથી. રાજ્યસભા - અપર હાઉસના સદસ્યોને ગરિમાપૂર્ણ
રીતે આજે વિદાય અપાઈ. સ્વાભાવિક રીતે તમામ પક્ષના સદસ્યો ત્યાં હતા અને નિવૃત્ત થનારમાં
પણ વરિષ્ટ સદસ્યો વિવિધ પક્ષોનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભામાં બુધવારનો દિવસ હળવાશ
અને મજાક-મશ્કરીનો બની રહ્યો તેની વચ્ચે વડાપ્રધાનના વક્તવ્યએ વિશિષ્ટ છાપ છોડી. સદનમાં
રાજ્યસભાના સાંસદોને સંબોધન કરતાં વડાપ્રધાને કહ્યું કે, આજે
કેટલાક સદસ્યો નિવૃત્ત થઈ રહ્યા છે. તેઓ ભલે અહીંથી જાય, પરંતુ
રાજનીતિમાં તો તેમનું કાર્ય બોલશે. રાજનીતિમાં ક્યારેય પૂર્ણવિરામ હોતું નથી. પ્રત્યેક
સદસ્યની પોતાની ભૂમિકા હોય છે. પોતાનું યોગદાન રહેતું હોય છે. આજે જેમનો કાર્યકાળ પૂર્ણ
થયો તેમાં વરિષ્ટ સદસ્યો કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, એચ.ડી. દેવેગૌડા સહિતના સદસ્યો પણ હતા. આ ઉપરાંત અન્ય સદસ્યોને સંબોધન કરતાં
વડાપ્રધાને આ વાત કરી હતી. કોઈ રાજકીય મુદ્દે અત્યંત ઉગ્ર પ્રવચન કરતા, પણ આપણે વડાપ્રધાનને સાંભળ્યા છે, વિપક્ષને તેઓ સંસદની
બહાર અને અંદર જરૂર પડયે દૃષ્ટાંતો અને આંકડાઓ, જૂના પત્રવ્યવહારોને
ટાંકીને ઝાટકી નાખતા હોય છે, પરંતુ પ્રસંગોપાત પ્રવચન તેમનું
કૌશલ્ય છે. સાંસદોને પૂર્ણ સન્માન સાથે તેમણે વિદાય કર્યા અને ભવિષ્યમાં તેમના અનુભવનો
લાભ દેશને મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી. સાથે જ કેટલીક હળવી પળોનો અનુભવ રાજ્યસભામાં
થયો તે પણ સદસ્યોને યાદ રહેશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દેવેગૌડા સાથે
મજાક કરતાં કહ્યું કે, તેઓએ પ્રેમ કોંગ્રેસને કર્યો અને લગ્ન
ભાજપ સાથે કરી લીધાં. થોડા ગંભીર થયેલાં વાતાવરણમાં હાસ્યની લહેર ફેલાઈ ગઈ. સામે દેવેગૌડાએ
જવાબ પણ આપ્યો કે, કોંગ્રેસ સાથેનો તેમનો સંબંધ તો મજબૂરીનો સંબંધ
હતો. બજેટ સત્રમાં ગૃહમાં અનેક મુદ્દા ચર્ચાયા. વિપક્ષે અનેક મુદ્દે શાસકોને ઘેર્યા.
લોકસભા અને રાજ્યસભા કે સમગ્ર સંસદીય પ્રણાલી અને પ્રક્રિયા હોય છે જ રાષ્ટ્રના પ્રશ્નો,
પ્રજાની સમસ્યાની ચર્ચા માટે અને દેશના વિકાસનો માર્ગ નક્કી કરવા માટે.
ભિન્ન મત તો લોકશાહીનો આત્મા છે. તેની સાથે જ પરસ્પર ગરિમા, સન્માન
પણ જળવાવા જોઈએ. વિવિધ માધ્યમો ઉપર વાયરલ થતા વીડિયોમાં પૂર્વ વડાપ્રધાનો, નેતાઓ વચ્ચેના આવા સંવાદો આપણને જોવા-સાંભળવા મળે છે. બુધવારે 2026નાં સત્રમાં પણ એવાં દૃશ્યો
જોવા મળ્યાં.