વેલિંગ્ટન, તા. 22 : નવોદિત ખેલાડી કોનર એસ્ટરહાઉઝનની
અર્ધસદી અને જેરાલ્ડ કોએત્ઝીની 3 વિકેટની મદદથી
ન્યુઝીલેન્ડ સામેની ચોથી ટી-20 મેચમાં દક્ષિણ
આફ્રિકાનો 19 રને વિજય થયો હતો. આથી પ મેચની
શ્રેણી 2-2ની બરાબરી પર રોચક સ્થિતિમાં
પહોંચી છે. શ્રેણીની પાંચમી અને નિર્ણાયક મેચ બુધવારે રમાશે. પ્લેયર ઓફ ધ મેચ કોનર
એસ્ટરહાઉઝને પ7 રન કર્યા હતા. આફ્રિકાના પ વિકેટે 164 રનના જવાબમાં ન્યુઝીલેન્ડ ટીમ
18.પ ઓવરમાં 14પ રને ઓલઆઉટ થઈ હતી. દ. આફ્રિકા તરફથી ટોની
ડિજોર્જીએ 23 રન કર્યા હતા જ્યારે એસ્ટરહાઉઝને
36 દડામાં 7 ચોગ્ગા-3 છગ્ગાથી પ7 રનની ઝડપી
ઇનિંગ રમી હતી. આ સિવાય રૂબિન હરમને 28, ડિયાન ફોસ્ટરે 19, જેસન સ્મિથે 19 અને જોર્જ લિંડેએ 14 રનનું યોગદાન આપ્યું હતું. કિવિઝ તરફથી કાઇલ જેમિસનને સર્વાધિક
2 વિકેટ મળી હતી. 16પ રનના વિજય લક્ષ્યનો પીછો કરતાં કિવિઝ
ટીમ તરફથી ઓપનર ટિમ રોબિન્સને 32 રનની સર્વાધિક
ઇનિંગ રમી હતી. આ સિવાય ડેન કલીવરે 26 રન કર્યા હતા. બાકીના કિવિ બેટર નિષ્ફળ રહ્યા હતા. આથી પૂરી
ટીમ 14પ રનમાં તંબુ ભેગી થઈ ગઈ હતી. જેરાલ્ડ કોએત્ઝીએ
3 વિકેટ લીધી હતી. બાર્ટમેન, સુબ્રાયેન અને મહારાજને 2-2 વિકેટ મળી હતી.