• સોમવાર, 23 માર્ચ, 2026

પૂર્વ કચ્છમાં 9.72 લાખનો શરાબ જપ્ત

ગાંધીધામ, તા. 22 : ભચાઉના ભવાનીપુર કેનાલ પાસેથી એક કારમાંથી રૂા. 7,14,000નો શરાબનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. આ કારમાથી એક શખ્સ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઝડપી લેવાયો હતો તેમજ બીજીબાજુ રાપરના નાની હમીરપરમાં બંધ મકાનમાંથી રૂા. 2,58,250નો દારૂ જપ્ત કરાયો હતો પણ બે આરોપી હાથમાં આવ્યા નહોતા. ભચાઉના ભવાનીપુર કેનાલ બાજુ રહેલી પોલીસને ગુણાતીતપુર બાજુથી આવતી કારમાં દારૂ હોવાની પૂર્વ બાતમી મળી હતી. દરમ્યાન પોલીસે કેનાલ પાસે વોચ ગોઠવી હતી, તેવામાં ગાડી આવતાં તેને રોકાવાઇ હતી. ગાડીની ડેકી તથા પાછળની સીટમાંથી દારૂ મળી આવતાં ધમડકાના વિપુલસિંહ ગોવુભા જાડેજા તથા ધમડકાના એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઝડપી લેવાયો હતો. આ કાર નંબર જી.જે.-12-સી.ડી.- 3900માંથી ઓલ્ડ મોન્ક ત્રિપલ એક્સ રમ ફોર સેલ ઇન દિલ્હી ઓન્લીના માર્કાવાળી 750 મિ.લિ.ની 476 બોટલ કિંમત રૂા. 7,14,000નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. વિપુલસિંહ જાડેજા અને બાળ આરોપી રાપરના મોટી રવમાંથી યશપાલસિંહ બળવંતસિંહ જાડેજા પાસેથી દારૂ ભરી લાવ્યા હતા અને અંજાર તાલુકાના વરસામેડીના રાજદીપસિંહ ભરતસિંહ ઝાલાને આપવા જવાના હતા, પરંતુ તેમની ખેપ સફળ થાય તે પહેલાં પોલીસે બંનેને પકડી પાડયા હતા. વધુ એક કાર્યવાહી રાપરના નાની હમીરપરમાં કરવામાં આવી હતી. દીપેન્દ્રસિંહ ઉર્ફે દીપુભા જયેન્દ્રસિંહ જાડેજા અને નરપતસિંહ ભગુભા જાડેજાએ દારૂ મગાવી દરબારવાસમાં નરપતસિંહના કબજાનાં મકાનમાં દારૂ સંતાડીને રાખ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ મકાનમાંથી ઓફિસર ચોઇસ 750 એમ.એલ.ની 116 બોટલ, રોયલ સ્ટેગની 12, ઓલ્ડ મોન્કની ત્રણ, સુપર જ્યુબિલીની બે એમ કુલ્લ 233 બોટલ કિંમત રૂા. 2,58,250નો શરાબ જપ્ત કરાયો હતો, પરંતુ આ કાર્યવાહી દરમ્યાન બે આરોપી પોલીસની પકડમાં આવ્યા નહોતા. 

Panchang

dd