• રવિવાર, 22 માર્ચ, 2026

કલમનવેશો સાથે મોરારિબાપુનો અનોખો અનુબંધ

કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : ક્રિકેટની પીચ પર બોલર લાગલગાટ ત્રણ વિકેટ લે તેને હેટ્રિક કહેવાય. કચ્છ અને રામકથાને સંબંધ છે ત્યાં સુધી મોરારિબાપુએ એક નહીં, ડબલ હેટ્રિક કરી છે. 2021થી 2026 સુધી સળંગ છ વર્ષ આ ધરતી પર જય સિયારામનો આહ્લેક જગાવ્યો છે. 2021માં માનસ વ્રજવાણી, 2022માં ધોળાવીરા, 2023 નખત્રાણા પાસે માનસ અક્ષયતૃતીયા કથા, 2024માં રવેચી ભૂમિ પર માનસ મનોરથ, ગયાં વર્ષે 2025માં કોટેશ્વર-નારાયણ સરોવરમાં માનસ કોટેશ્વર અને 2026માં ફરી એકવાર માધાપરની પાવન-શૌયવંતી ધરતી. એનઆરઆઇની ડિપોઝિટોને લીધે ગુજરાતનું સમૃદ્ધ માધાપર સંસ્કાર અને આધ્યાત્મમાં વધુ સમૃદ્ધ થશે. મોરારિબાપુએ દાયકાઓથી સમાજમાં ક્રાંતિ અને ચેતના જગાવવાનું મિશન ઉપાડયું છે. કોઇ ખૂણે સારી પ્રવૃત્તિ થતી હોય એને સપોર્ટ કરવો, લાખો શ્રોતાઓ સુધી પહોંચાડવાનો તેમનો સ્વભાવ. તેમને સદ્ભાવનાના બ્રાન્ડ એમ્બેસેડરે કહી શકાય. વંચિત સમુદાયોની ચિંતા કરે એટલે દાતાઓની છાની મદદ પહોંચ્યાના અનેક દાખલા... કચ્છમિત્ર સાથેની એક જૂની મુલાકાતમાં મોરારિબાપુને તેમના વાણીના પ્રભાવનું કારણ પૂછ્યું... જવાબ હતા... આ કોઇ જાદૂ નથી, શ્રદ્ધા છે. જે કોઇ પ્રભાવ છે તે રામચરિત માનસનો છે. મારી વાણીનો આ પ્રભાવ નથી. રામચરિત માનસે લોકોનાં માનસ ઉપર ઘેરી છાપ ઊભી કરી છે, શ્રોતાઓને જબરજસ્ત આકર્ષણ છે. મોરારિબાપુ અને શ્રોતાઓનો અનુબંધ વધતો ચાલ્યો છે. કથા જ્યાં પણ હોય મહામંડપે ટૂંકો પડે. સુધારાવાદી વિચારો પ્રત્યેની દૃઢતા અને માત્ર બોધ આપીને બેસી રહેવાને બદલે સ્વકર્મી બનીને ત્વરિત પગલાં લેવાની પહેલ મોરારિબાપુને નોખા તારવે છે. બાપુની રામકથાઓ, કાર્યક્રમોની સમીક્ષા કરીએ તો કેટકેટલાય વિષયો નીકળી પડે. ખૂબી એ છે કે, કેટલાય સંપ્રદાય, સમાજના જુદા- જુદા ખૂણાઓમાં તેમની હાજરી હોય ત્યારે તે બધા એવું જ સમજે કે મોરારિબાપુ અમારા... કચ્છમાં એમનો કાર્યક્રમ રચાય એટલે કચ્છ સાથેના બાપુના વિશેષ અનુરાગની ચર્ચા થાય. નિ:સંદેહ કચ્છની ધરતી પર એમની યાદગાર રામકથાઓ થઇ છે. માતાના મઢ અને હાજીપીરની કથામાં કોમી એકતાનો જબરજસ્ત સંદેશ દુનિયાને મળ્યો હતો. મોરારિબાપુ સાથે આ લખનારને જેટલું અને જ્યારે સંપર્કમાં આવવાનું થયું ત્યારે એક વાત નોંધી છે અને તે છે કલમનવેશો સાથે, ખાસ તો જન્મભૂમિ ગ્રુપ સાથેની તેમની આત્મિયતા. પત્રકારત્વ વિશેના તેમના વિચારોએ બિલકુલ સ્પષ્ટ છે. પત્રકારત્વ ક્ષેત્રના અથવા તો અખબાર ગ્રુપ સંકળાયેલું હોય એવા ત્રણ સૌથી મોટા એવોર્ડ માત્ર ને માત્ર મોરારિબાપુના હસ્તે એનાયત થાય છે. એક હરીન્દ્ર દવે એવોર્ડ, નગીનદાસ સંઘવી પ્રેરિત નચિકેતા એવોર્ડ અને ફૂલછાબ એવોર્ડ. ફૂલછાબના પૂર્વ તંત્રી કૌશિક મહેતા સાથેની ચર્ચામાં ભૂતકાળના પૃષ્ઠો ઊથલાવ્યાં અને રસપ્રદ માહિતી ઊભરી આવી, જન્મભૂમિ ગ્રુપ   સાથેનો મોરારિબાપુનો સંબંધ જન્મભૂમિના પ્રસિદ્ધ તંત્રી-સાહિત્યકાર હરીન્દ્ર દવે અને ફૂલછાબના તંત્રી હરસુખ સંઘાણીના સમયથી. ફૂલછાબને 75 વર્ષ થયાં ત્યારે મોટાપાયે ઉજવણી થઇ હતી અને પૂર્ણાહુતિ કાર્યક્રમમાં મોરારિબાપુની વિશેષ ઉપસ્થિતિ હતી, એ પહેલાં  મુંબઇ ખાતે ત્રણ દિગ્ગજ પત્રકાર-લેખક હરીન્દ્ર દવે, સુરેશ દલાલ અને હરકિશન મહેતા સાથે મોરારિબાપુનો જાહેર સંવાદ યોજાયો હતો. જન્મભૂમિ ગ્રુપના મુખ્ય તંત્રી કુન્દન વ્યાસ મહુવા ખાતે અસ્મિતા પર્વમાં ભાગ લઇ આવ્યા છે. હરીન્દ્ર દવેનાં નિધન પછી પત્રકારત્વમાં તેમનાં નામનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સુરેશ દલાલના પ્રયોજનથી શરૂ થયો અને પ્રારંભથી અત્યાર સુધી સંભવત: દરેક એવોર્ડ (આ લખનાર સહિત) બાપુના હસ્તે એનાયત થયા છે. નગીનદાસ સંઘવી સાથે બાપુનો નિકટનો સંબંધ. નગીનદાસભાઇની શતાબ્દી ઉજવણી રાજકોટ ખાતે થઇ, ત્યારે આ લખનારે હાજર. બાપુના હસ્તે એ ખમીરવંતા પત્રકારનું રૂા. 11 લાખની થેલી સાથે સન્માન થયું. નગીનભાઇએ એ રકમ માથે અડાડીને પત્રકારત્વ સન્માન માટે અર્પણ કરી દીધી. `નચિકેતા' એવોર્ડ થરૂ થયો. આજે રૂા. 1.25 લાખની રકમની દૃષ્ટિએ `નચિકેતા' એવોર્ડ સૌથી મોટો છે. એ જ રીતે સામાજિક ક્ષેત્રે નોંધનીય પ્રદાન માટે સૌરાષ્ટ્રના શ્રેષ્ઠીઓને અપાતો ફૂલછાબ એવોર્ડ સવા દાયકાથી વધુ સમયથી મોરારિબાપુની ઉપસ્થિતિમાં તેમના હસ્તે જ આપવાની જાણે કે પરંપરા સ્થપાઇ ગઇ છે એ ઉપરાંત ફૂલછાબના પૂર્વ તંત્રી અને સર્જક ઝવેરચંદ મેઘાણીનાં નામ સાથે સંકળાયેલા મેઘાણી એવોર્ડના કાર્યક્રમમાં પણ બાપુ મોટાભાગે હાજર રહે જ છે. કચ્છની ધરતી પર 36મો રામકથા-જ્ઞાનયજ્ઞ શરૂ કરનારા બાપુને જય સિયારામ! - પત્રકારો-સર્જકોને માન-સન્માન આપવાની વ્યાસપીઠની નોખી પરંપરાસાક્ષરોનું સન્માન કરે એ સભા સંસ્કૃતજનોની હોય છે. વરિષ્ઠ પત્રકાર કુન્દન વ્યાસ કહે છે, શહેનશાહ અકબર અને વિક્રમાદિત્યના દરબારમાં સાહિત્ય સર્જકો-કલાકારોને માનપાન મળતું. આજે મોરારિબાપુની વ્યાસપીઠ એ કામ કરી રહી છે. લેખક-પત્રકારો-કવિઓ-કલાકારોને બાપુના આશીર્વાદ મળે છે. અસ્મિતા પર્વમાં દિલ્હીથી તલગાજરડા પહોંચ્યો. કાર્યક્રમમાં પત્રકાર તરીકેની કારકિર્દી, કામગીરીના વિચારો વ્યક્ત કર્યા ત્યારે બાપુ શ્રોતાઓ વચ્ચે અદના શ્રોતા બનીને સામે બેઠા હતા. પ્રવચન પૂરું કરીને જગ્યા પર ગયો ત્યારે બાપુના સ્વહસ્તાક્ષરમાં ચિઠ્ઠી મળી... `અનુભવ અને અભ્યાસસિદ્ધ અભિવ્યક્તિ - આશીર્વાદ.' કુન્દનભાઇ કહે છે, આ પ્રોત્સાહક શબ્દો તેમને મન પદ્મ કરતાંય કિંમતી સન્માન છે. મોરારિબાપુએ નિષ્ઠાવાન પત્રકારોને માન આપ્યું છે. અખબારનાં પાના નહીં, પનો જોવાય... એમ કહેતાં તેમણે પત્રકારોને શીખ આપી છે કે, ગંદવાળ પરની માખી નહીં, મધમાખી જેવા બનજો... સારો રસ ચૂસીને સમાજને મધુર રસ પીરસજો...

Panchang

dd