નવી દિલ્હી, તા. 22 : ફેસબુક-ઈન્સ્ટાગ્રામની
માલિક કંપની મેટાના નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારત હવે દુનિયાના આંતરરાષ્ટ્રીય
સાયબર અપરાધી ગેંગનું બીજું સૌથી મોટું શિકાર બની ગયું છે. માત્ર અમેરિકાના અંગ્રેજી
બોલતા યુઝર્સ બાદ ભારત ટોપ ઉપર છે. સાઈબર અપરાધીઓ હવે એટલા પ્રોફેશનલ અને સંગઠિત થયા
છે કે એઆઈ ટુલ્સનો ઉપયોગ કરીને લાખો લોકોને એક સાથે ફસાવી રહ્યા છે. મેટાના સેમીએન્યુઅલ
એડવરસેરિયલ થ્રેટ રિપોર્ટ બતાવે છે કે સ્કેમર હવે સાધારણ અપરાધી નથી રહ્યા. તેઓ ફેક
એકાઉન્ટ્સ બનાવે છે જેમાં પૂરી બેક સ્ટોરી, અસલી જેવી પ્રોફાઈલ તસવીર અને વીડિયો તેમજ એકદમ વાસ્તવિકત લાગે તેવી વાતચીત
કરે છે. આ મેસેજ એટલા વ્યક્તિગત હોય છે કે વાંચનારી વ્યક્તિ પણ એક વખત વિચારતી થઈ જાય
છે. અપરાધી સિંડિકેટ સૌથી પહેલા અમેરિકાના અંગ્રેજી બોલતા યુઝર્સને નિશાને બનાવે છે.
બાદમાં ભારતીય યુઝર્સનો વારો આવે છે. બાદમાં મંદારિન બોલતા ચીન, તાઈવાન, હોંગકોંગ, સિંગાપુર અને
પછી જાપાન-દક્ષિણ કોરિયાના લોકો ટાર્ગેટ હોય છે. મેટાએ હાલમાં જ એક પાકિસ્તાની આધારીત
ઓપરેશનને તોડયું હતું. જે ભારતને જ ટાર્ગેટ કરી રહ્યું હતું. આ ટોળકી ઓફ પ્લેટફોર્મ
વેબસાઈટ ઉપર ચાલી રહી હતી અને એઆઈની મદદથી અલગ અલગ ભાષામાં સામગ્રી બનાવતી હતી. આ ઉપરાંત
ચોરી કરેલી તસવીર લગાડીને પોતાને લોકલ બતાવતા હતા. કંપનીએ જાણકારી આપી હતી કે ચાલુ
વર્ષે ફ્રોડ અને સ્કેમ ડામવા 1.09 કરોડ ફેસબુક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટસ, 6 લાખ પેજ અને
1.12 લાખ એડ એકાઉન્ટ્સ હટાવ્યા છે.
આ ઉપરાંત ડ્રગ કાર્ટેલ અને તસકરી કરતી ગેંગ દ્વારા પણ પ્લેટફોર્મનો ઉપયોગ ભરતી, બ્લેકમેલ અને પ્રચાર માટે થઈ રહ્યો હોવાનું
સામે આવતા તપાસ ચાલી રહી છે.