અમરાવતી, તા. 22 : આંધ્રપ્રદેશના પૂર્વી ગોદાવરી
જિલ્લામાં ભેળસેળવાળું દૂધ પીવાથી 16 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે ત્રણની હાલત ગંભીર બતાવાઈ છે. આ ઘટનાથી દેશભરમાં ખળભળાટ જોવા મળ્યો
હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, દૂધમાં એથિલીન ગ્લાઈકોલ નામનો
ઝેરી પદાર્થ મળી આવ્યો હતો. પ્રશાસને સ્થાનિક ડેરી સંચાલકની ધરપકડ કરી હતી. એક મીડિયા
હેવાલ મુજબ, ગોદાવરી જિલ્લાના નરસાપુરમ ગામમાં 100થી વધુ પરિવારે ડેરી યુનિટમાંથી
દૂધ ખરીદ્યું હતું, જે પીધા બાદ
થોડા કલાકોમાં જ લોકોમાં ઊલટી, પેટમાં દુ:ખાવો, પેશાબ બંધ થવો અને ગંભીર કિડની ફેલિયર જેવી સમસ્યાઓ સામે આવી હતી. આ ગંભીર
પ્રકારના લક્ષણો જોવા મળ્યા બાદ કેટલાકને ડાયાલિસિસ અને વેન્ટિલેટર સર્પોટની જરૂર પડી
હતી. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં આ દૂધમાં એથિલીન ગ્લાઈકોલ નામનો ઝેરી
પદાર્થ જોવા મળ્યો હતો, જેકિડની અને અન્ય અંગોને સ્થાયી ક્ષતિ
પહોંચાડે છે. આ ઘટના બાદ દૂધની સપ્લાયને તરત રોકી દેવાઈ હતી અને અસરગ્રસ્ત ક્ષેત્રોમાં
ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરાયો હતો. મામલાની જાણ થતાં જ ડેરી સંચાલકની ધરપકડ કરાઈ હતી,
તો ફૂડ સેફ્ટી વિભાગે ડેરી યુનિટમાંથી દૂધ, દહી,
ઘી, પાણી સહિતના નમૂના લીધા હતા, જ્યારે એનિમલ હસબેંડરી વિભાગે પશુચારો અને પાણીની તપાસ હાથ ધરી હતી. ઘણા દર્દીમાં
બ્લડ યુરિયા અને ક્રિએટીનીનનું સ્તર અસામાન્ય રીતે વધી ગયું હતું. ઘટનાની ગંભીરતા જોતાં
પ્રશાસન દ્વારા સંદિગ્ધ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આ મામલે અપ્રાકૃતિક
મૃત્યુની જોગવાઈ હેઠળ ફરિયાદ નોંધી છે. જ્યારે હૈદરાબાદના સિનિયર સ્વાસ્થ્ય અધિકારી
દ્વારા સારવાર સહિતની દેખરેખ કરાઈ રહી છે.