અર્પિત ગંગર તરફથી : મુંબઈ, તા. 22 : ઓલ ઈન્ડિયા શ્વેતાંબર સ્થાનકવાસી
જૈન કોન્ફરન્સ-મુંબઈના ઉપક્રમે શ્રી વિલેપાર્લે વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘનાં આંગણે
લોકપ્રિય તેમજ જ્ઞાનસભર મેગેઝીન `જૈન પ્રકાશ'ના પુન:પ્રકાશન નિમિત્તે વિમોચન કાર્યક્રમ યોજાયો
હતો. શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂ. ધીરજમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યમાં યોજાયેલા
આ કાર્યક્રમમાં જન્મભૂમિ અખબારનો પાયો માંડનારા દિગ્ગજ પત્રકાર, આઝાદીના લડવૈયા તેમજ જૈન પ્રકાશ સામયિકમાં પણ મહત્ત્વનું યોગદાન આપનારા અમૃતલાલભાઈ
શેઠના કર્મઠ જીવન અને સિદ્ધાંતોને યાદ કરાયા
હતા. અમૃતલાલભાઇ નીડર પત્રકાર અને ગાંધીવાદી સત્યાગ્રહી હતા. હિરેનભાઇ, અરવિંદભાઇ, ડો. સંજય સંઘવી, મુકેશ
કામદાર અને સંજય શેઠના પ્રયત્નોથી તેમજ ગુરુદેવનાં માર્ગદર્શનથી જૈન પ્રકાશ ફરી એકવાર
શરૂ થયું છે. વિમોચન મીનળબેન રોહિતભાઇ શાહના
હસ્તે કરવામાં આવ્યું. જૈન પ્રકાશના સંપાદક તરલાબેન દોશી છે અને તંત્રી સંજયભાઇ શેઠ
છે. આ કાર્યક્રમમાં ઘણા અગ્રણીઓ પણ આમંત્રિત હતા. જન્મભૂમિના સિનિયર પત્રકાર મણિલાલ
ગાલાને પણ `જૈન પ્રકાશ' માટેના તેમનાં યોગદાન બદલ સન્માનિત કરાયા હતા.
- રાજકીય ઇતિહાસમાં જન્મભૂમિ
અને અમૃતલાલભાઇનું મોટું યોગદાન : ધીરજમુનિ
મ.સા.એ અમૃતલાલ શેઠને યાદ કરતાં કહ્યું, ભારતના રાજકીય ઇતિહાસમાં પણ જન્મભૂમિ અને અમૃતલાલ શેઠનું જે યોગદાન છે તે કોઇ
ભૂલી શકશે નહીં. જન્મભૂમિ, ફૂલછાબ અને કચ્છમિત્ર વર્ષોથી મહત્ત્વના
દૈનિક પત્રો છે. અમૃતભાઇ શેઠ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પિસ્તોલ લઇને ઊભેલા
લોકો વચ્ચે જઇને રિપોર્ટ લેતા. - લોકોના આંસુથી ભીંજાયેલું અને
લોહીથી લખાયેલું અખબાર : પૂર્ણાબેને `જૈન પ્રકાશ' અને અમૃતલાલ શેઠ વિશે બોલતાં કહ્યું હતું કે,
અમૃતલાલ શેઠ શરૂઆતથી જ `જૈન પ્રકાશ' સાથે જોડાયેલા હતા. તેઓ આઝાદીના રંગમાં રંગાઇ ગયા હતા. પૂર્ણાબેને કહ્યું હતું
કે, લીંબડીમાં રહી તેમણે વકીલાનો અભ્યાસ કર્યો હતો, પરંતુ વકીલાતમાં ક્યારેક જૂઠું બોલવું પડે એટલે તેમણે આ ધંધો છોડીને સૌરાષ્ટ્ર
કાર્યાલય શરૂ કર્યું. અમૃતલાલ શેઠ `સૌરાષ્ટ્રના સિંહ' તરીકે જાણીતા હતા. તેમણે કહ્યું હતું કે, એવું વર્તમાનપત્ર
જોઇએ જે પીડિત લોકોના આંસુથી ભીંજાયેલું હોય અને લોહીથી લખાયેલું હોય. તેમના મિત્ર
જગજીવનદાસે તેમને પૈસા આપ્યા અને કહ્યું કે, તમે જ એવું પત્ર
શરૂ કરો. ત્યારબાદ 2 ઓક્ટોબર, 1921ના પ્રથમ
અંક શરૂ કર્યો. ઝવેરચંદ મેઘાણી પણ અમૃતલાલ શેઠ સાથે જોડાયા હતા અને બંને મિત્રો સિક્કાની
બે બાજુ જેવા હતા. 1930માં મહાત્મા
ગાંધીએ અમૃતલાલ શેઠને ધોલેરા સોલ્ટ સત્યાગ્રહનું
નેતૃત્વ આપ્યું. 9 જૂન, 1934ના `જન્મભૂમિ' અખબાર શરૂ થયું. જન્મભૂમિ અખબાર દુખિયાઓના આંસુઓનું
પાત્ર બન્યું. જાલીમોના જુલમોનું ચિત્રપટ બન્યું અને આજે એક ઘટાદાર વૃક્ષ બની ગયું
છે. કુંદનભાઇ વ્યાસ આજે ખૂબ સારી રીતે `જન્મભૂમિ' અખબાર
સંભાળી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે,
જે રીતે `જન્મભૂમિ' ગુજરાતી લોકોના ઘરમાં જોવા મળે છે, તેવી જ રીતે `જૈન પ્રકાશ' પણ જૈન લોકોના ઘરમાં જોવા મળવું જોઇએ.