નખત્રાણા, તા. 22 : અહીં ભાજપા આયોજિત નગરપાલિકાના
ઉપક્રમે યોજાયેલા વિવિધ ખાતમુહૂર્તના કાર્યક્રમનો કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ કરાયો
હતો. આજે નખત્રાણામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા
રૂા. 431 લાખના ખર્ચે થનારા વિકાસકામોનું
ખાતમુહૂર્ત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે કરવાનો કાર્યક્રમ રૂડી સતીમા સ્થાનકે
યોજાયો હતો. આ પૂર્વ નખત્રાણા નગરપાલિકા હેઠળના ખાતમુહૂર્ત લોકાર્પણનો ભારતીય જનતા
પાર્ટીના નિમંત્રણથી યોજાતા કાર્યક્રમનો કોંગ્રેસ પાર્ટીના આગેવાન, કાર્યકરો દ્વારા વિરોધ કરાયો હતો. આ વિકાસકામોની ગ્રાન્ટ નગરપાલિકાને મળી છે,
જેમાં ભાજપનો કોઈ જ હિસ્સો નથી. ભાજપ દ્વારા આ કાર્યક્રમ યોજાય છે તેનો
અમે વિરોધ કરી રહ્યા હોવાનું કોંગ્રેસ અગ્રણીઓએ જણાવ્યું હતું. નખત્રાણા શહેર કોંગ્રેસ
પાર્ટી સમિતિના પ્રમુખ રાજેશભાઈ આહીરની આગેવાની હેઠળ પક્ષના લખમીરભાઈ રબારી,
ન.તા. પં. ના પૂર્વ વિપક્ષી નેતા કેતનભાઈ પાંચાણી, જિલ્લા પાર્ટીના સહમંત્રી અશ્વિન રૂપારેલ, વિવિધ આગેવાનો
નરેશભાઈ ફુલિયા, યોગેશ પોકાર, વંકાભાઈ રબારી,
રમેશદાન ગઢવી, ખમીશા ખત્રી, ભીમજીભાઈ વાઘેલા, મંગાભાઈ મારવાડા (મંગા લધા મારવાડા),
કરણભાઈ બુચિયા, ગિતેશ ઠક્કર, તાલુકા મંત્રી જીતુભા જાડેજા, રાજેશભાઈ જોષી,
જુસબભાઈ સોઢા, નરેશભાઈ શાહ, ખીમજી મારવાડા, જુસબ ચાકી, અસલમ
કુંભાર, અનવર લુહાર, અબ્દુલાભાઈ સલીમભાઈ
સહિતના કોંગ્રેસ આગેવાનોએ ભાજપા વિરોધ સૂત્રોચાર સાથે કાર્યક્રમમાં સ્ટેજ ઉપર કોઈ ભાજપના
કાર્યકરો ન બેસે, જો બેસશે તો તેનો વિરોધ કરશું તેવા મંતવ્યો
વ્યક્ત કર્યા હતા. પોલીસ તંત્ર દ્વાર કાર્યક્રમને રૂકાવટ ન કરવા અપીલ કરાઈ હતી,
પણ મામલો થાળે ન પડતાં અંતે પોલીસે કાર્યક્રમનો વિરોધ દર્શાવતા કોંગ્રેસ
પાર્ટીના આગેવાનોને રાઉન્ડઅપ કર્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા પછી છૂટા કર્યા હતા. પી.એસ.આઈ.
રાજેશ બેગડિયા સહિતની પોલીસ ટીમએ કાર્યવાહી કરી હતી.