નવી દિલ્હી, તા. 22 : એરલાઈન કંપનીઓ
હવેથી ઘરેલુ ઉડાનોમાં સીટોની માંગના હિસાબે ભાડાં વધારી શકશે. દેશના નાગરિક ઉડ્ડયન
મંત્રાલયે હવાઈ ભાડાં પર લાગેલી રોક હટાવી દીધી છે. મંત્રાલયના આદેશ અનુસાર આવતીકાલ
સોમવારથી હવાઈયાત્રાની ટિકિટોના ભાડાંની બાંધેલી સીમા હટી જશે. જો કે, સરકારે એવી તાકીદ પણ કરી હતી કે, એરલાઈન કંપનીઓએ કિંમતોના મામલામાં અનુશાસન જાળવી રાખવું પડશે. કંપનીઓ એ સુનિશ્ચિત
કરશે કે, ભાડાં યોગ્ય, પારદર્શક અને બજારની
સ્થિતિને અનુરૂપ હોય. યાત્રીઓના હિતોને હાનિ ન થાય તેની કાળજી રાખવા પણ નાગરિક ઉડ્ડયન
મંત્રાલયે જણાવ્યું હતું.સરકારે કહ્યું હતું કે, ભાડાંભાં કોઈ
પણ પ્રકારના વધુ પડતા કે અયોગ્ય વધારાનાં પગલાંને ગંભીરતાથી જોવાશે. એરલાઈન કંપનીઓનાં
ભાડાં વધારાના ફેંસલાઓ પર મંત્રાલયની નજર રહેશે. ઈન્ડિગોની ઉડાનો મોટી સંખ્યામાં રદ
થવા, વિલંબ થવાથી સર્જાયેલાં સંકટ બાદ હવાઈયાત્રાનાં ભાડાંમાં
જંગી વધારો આવતાં સરકારે તેના પર અંકુશ મૂક્યો હતો. તેલની કિંમતો સાથે એટીએફની કિંમતોની
અસર જરૂર થશે પરંતુ તેનું બધું ભારણ યાત્રીઓ પર ન પડે તે દિશામાં સરકાર પ્રયાસ કરી
રહી છે.