રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : અમેરિકાના પ્રેસિડન્ટ
ડૉનાલ્ડ ટ્રમ્પે ઇરાન ઉપર આક્રમણ શા માટે કર્યું
? આક્રમણ શરૂ કર્યા પછી ખુલાસો કર્યો કે છેલ્લાં 47 વર્ષથી ઇરાનના શાસકો અમેરિકાને
આતંકનું નિશાન બનાવી રહ્યા છે અને હવે અણુશત્રો બનાવી રહ્યાં હોવાથી અમેરિકા ઉપર ગમે
ત્યારે હુમલો થવાની શક્યતા છે! ટ્રમ્પનો આ ખુલાસો કોઈના પણ ગળે ઊતરે, એવો નથી. અણુશત્રોની તૈયારી રોકવા માટે ઇરાન
સાથે પરોક્ષ વાતચીત થઈ રહી હતી ત્યાં જ અમેરિકાએ ઇરાન ઉપર અચાનક આક્રમણ કર્યું અને
તેના સર્વોચ્ચ નેતા - શાસક અને અધિકારીઓની હત્યા થઈ. ટ્રમ્પનો વ્યૂહ ઇરાનમાં શાસનતંત્ર
જ બદલી નાખવાનો હતો અને છે. મૂળ તો તેલના ભંડાર ઉપર નજર છે ! અમેરિકાની ગણતરી એવી હતી
કે ઈરાન લડી નહીં શકે. શરણાગતિ સ્વીકારશે પણ ગણતરી ઊંધી પડી. ઈરાનનો વ્યૂહ અમેરિકા
અને ઈઝરાયલને થકાવી દેવાનો હતો. લડાઈ લાંબી ચાલી છે. આ દરમિયાન ઈઝરાયલ વધુ આક્રમક છે.
આરબો સામે વેર વાળવાની તક મળી છે તેથી અમેરિકા કરતાં વધુ હુમલા કરે છે. હોર્મુઝ ખાડી
બંધ થયા પછી ઈઝરાયલે ઈરાનના તેલ ક્ષેત્ર ઉપર હુમલો કરીને આગ લગાડી તેના જવાબમાં ઈરાને
અમેરિકાના વફાદાર ગણાતા અખાતી દેશોમાં ગૅસ-તેલ ક્ષેત્રો ઉપર ભારે હુમલા કરીને ભડકે
બાળ્યાં. આખરે ટ્રમ્પે કહેવું પડયું કે ઈરાનના તેલ ક્ષેત્રમાં થયેલા હુમલામાં અમારો
હાથ નથી. ટ્રમ્પે ઈઝરાયલને તાકીદ કરી કે તેલ ક્ષેત્ર ઉપર હુમલા નહીં. ઈરાનનો વ્યૂહ
- અમેરિકા ઉપર સીધા આક્રમણને બદલે અખાતમાં તેનાં લશ્કરી મથકો ઉપર હુમલા કરવાનો હતો
- જેનો અંદાજ ટ્રમ્પને નહોતો ! હવે તેલ ક્ષેત્રો ભડકે બળ્યાં ત્યારે ચોંકી ઊઠયા. લડાઈનું
લક્ષ્ય બદલાયું. ગૅસ - તેલના ભંડાર ભડકે બળે તો વિશ્વભરમાં હાહાકાર થાય. એશિયા-યુરોપમાં
ભાવવધારા થાય. અનાજ ઉત્પાદન ઉપરાંત સમગ્ર અર્થતંત્ર ખોરવાઈ જાય! હવે ટ્રમ્પ આગ બુઝાવી
શકશે? ઈરાનમાં શાસન બદલી શક્યા નથી. શરણાગતિ થઈ નથી. જંગી શરતો
સામે ઈરાનનાં ડ્રોન સફળ થયા છે ! ઈરાનમાં લોકોનો બળવો થવાને બદલે આયાતોલ્લાહ શાસનના
સમર્થનમાં લાખો લોકો બહાર આવ્યા છે. હવે અમેરિકાએ ઈઝરાયલને અંકુશમાં રાખવું પડશે! ટ્રમ્પે
ઈઝરાયલના દબાણમાં આવીને આક્રમણ કર્યું હોવાની માહિતી ટ્રમ્પની નાલેશી છે! હવે ઈરાનની
ભૂમિ ઉપર અમેરિકી સૈનિકો ઉતારવામાં આવે તો વિયેતનામ જેવી દશા થાય! આથી અમેરિકા અને
ઈરાન - બન્નેને માન્ય હોય એવા નેતાની મધ્યસ્થી સ્વીકારવી પડે. ડિપ્લોમસી- સંવાદથી નિરાકરણ
થાય. પણ ઈરાનને અમેરિકા-ઈઝરાયલના સંભવિત આક્રમણ સામે રક્ષણ-ગેરન્ટી મળે તો જ લડાઈ બંધ
થઈ શકે. ઈરાને પણ વિશ્વને તેલ-ગૅસની ભયંકર કટોકટીમાંથી ઉગારવું પડે. હોર્મુઝમાં પ્રવેશ
- નિશ્ચિત ફી સાથે મળે તો જ વિશ્વની આર્થિક કટોકટી ટાળી શકાય. આ સમાધાન શક્ય છે?
આ અગાઉ અમેરિકાએ વેનેઝુએલાના પ્રમુખનું અપહરણ કરીને હાથકડી પહેરાવી ન્યૂ
યૉર્કના રાજમાર્ગ ઉપર અદાલત સુધી `પદયાત્રા' કરાવવામાં
`સફળતા'
બતાવી હતી. તેનું પુનરાવર્તન ઇરાનમાં કરવા માગતા હતા પણ એમના `હાથ'
ભલે લાંબા હોય - શક્તિ મર્યાદિત છે એવું ભાન ઇરાને કરાવ્યું છે! આક્રમણ
અનિવાર્ય હોવાની ખાતરી ટ્રમ્પ કરાવી શક્યા નથી અને હવે ઇજ્જત તથા બહાદુરી સાથે પીછેહઠ
કરવાનો વ્યૂહ પણ નથી. અલબત્ત ઇરાને તો પહેલેથી જ કહ્યું છે કે અમેરિકા આખરે દાવો કરશે
કે અમારો વિજય થયો છે અને `બહાદુરીપૂર્વક' પીછેહઠ કરશે... પણ આ લખાય છે ત્યાં સુધી લડાઈ બંધ થવાની આશા દેખાતી નથી. અમેરિકાનું
ઍરફોર્સ - વિમાની દળ અજોડ અને અજેય ગણાય છે. બૉમ્બમારા - બૉમ્બવર્ષા ખૂબ કરી છે અને
ખાનાખરાબી - વિનાશ પણ કર્યો છે. લોકોને સમજાવવાના પ્રયાસ અને પ્રચાર કર્યો કે તમને
આઝાદી અપાવવા માગીએ છીએ - પણ ઇરાનમાં રાષ્ટ્રવાદ પ્રબળ છે. શાસકો-ની હત્યા થયા પછી
અંતિમયાત્રામાં લાખ્ખો લોકોએ જોડાઈને અમેરિકાના પ્રચારનો જવાબ આપ્યો છે. અમેરિકાએ બેફામ,
બેજવાબદાર રીતે હૉસ્પિટલો અને ગર્લ્સ સ્કૂલ ઉપર બૉમ્બમારો કર્યો. 168 વિદ્યાર્થિનીઓ અને 14 શિક્ષકો માર્યા ગયા. આ પછી
`આઝાદી'ની લૉલીપૉપ સ્વીકારવા ઇરાનીઓ તૈયાર નથી. ખામેનેઈના પુત્ર આયાતોલ્લાહ મોજતબા
ખામેનેઈએ અમેરિકા ઉપર પૂરું વેર વાળવાની કસમ ખાધી છે અને હજ્જારો ડ્રૉન હુમલા કર્યા
છે. અમેરિકા સાથે ઇઝરાયલ જોડાયું નથી - ઇઝરાયલ સાથે અમેરિકા જોડાયું છે એમ કહેવું જોઇએ.
ઇઝરાયલની સ્થાપના - જન્મથી જ તમામ આરબ દેશો - આ યહૂદી દેશ સામે દુશ્મની ધરાવે છે. દુશ્મનોથી
ઘેરાયેલા ઇઝરાયલે ટક્કર ઝીલી છે. તાજેતરમાં હમાસના આરબ આતંકીઓએ આકાશમાંથી ઊતરીને ઇઝરાયલીઓ
ઉપર કાળો કેર વર્તાવ્યો તેનો બદલો નેતન્યાહુએ કેવી રીતે લીધો તે દુનિયાએ જોયું છે અને
ઇરાન ઉપરના અમેરિકી આક્રમણમાં `ડ્રાઇવર'ની કામગીરી
બજાવી છે! અમેરિકાની સલામતી એજન્સીના ઉચ્ચ અધિકારીએ પણ લડાઈ માટે ઇઝરાયલ જવાબદાર હોવાનું જણાવીને ટ્રમ્પ સરકારી સંસ્થામાંથી
રાજીનામું આપી દીધું છે. અમેરિકાની ગુપ્તચર સંસ્થાના વડા - ભારતીય કુળનાં તુલસી ગબાર્ડે
પણ અમેરિકી સંસદીય સમિતિ સમક્ષ રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે અમેરિકા ઉપર - સુએઝ નહેરથી
હોર્મુઝ... : અત્યારે ઇરાને
હોર્મુઝ સામુદ્રધુની-ખાડીમાં અમેરિકી જહાજો-ટેન્કરોના પ્રવેશની બંધી કરી છે. ઇઝરાયલે
ઇરાનનાં તેલ ક્ષેત્રો ઉપર હુમલા કર્યા પછી ઇરાને સાઉદી, કતર તથા યુએઈમાં તેલ-ગૅસ ક્ષેત્ર ઉપર ભારે હુમલા
કર્યા અને તમામ ભડકે બળી રહ્યાં છે તેથી તેલ-ગૅસની મોટી કટોકટી સર્જાશે એવી ધારણા છે.
ભૂતકાળમાં ઇજિપ્તની સુએઝ કેનાલ - ખાડી અંગે ભારે કટોકટી ઊભી થઈ હતી તેની યાદ તાજી થાય
છે. વર્ષ 1952માં ઇજિપ્તમાં
આઝાદી માટે જન-આંદોલન અને રાજા ફારૂક સામે બળવો થયો. આ ક્રાન્તિ-બળવા પછી ગમાલ અબ્દેલ
નાસર નેતા-શાસક બન્યા. પણ ઇજિપ્તના વિશાળ આસ્વાન ડેમ માટે અપાતી નાણાકીય સહાય પશ્ચિમી
દેશોએ પાછી ખેંચી લીધી તેના જવાબમાં નાસરે સુએઝ નહેરનું રાષ્ટ્રીયકરણ કરવાની જાહેરાત
કરી - આ નહેરનું સંચાલન બ્રિટિશ અને ફ્રેન્ચ સરકારોની માલિકીની કંપની કરતી હતી. તેથી
બંને સરકારોને પ્રતિષ્ઠા ઉપરાંત તેલ પુરવઠામાં કાપ મુકાવાની શક્યતા હતી. ઇઝરાયલ પણ
નાસરની લોકપ્રિયતા અને લશ્કરી શક્તિ સામે સાવધાન હતું અને નાસરને હટાવવાની તૈયારી રૂપે
ઇઝરાયલે 1956ના અૉક્ટોબરમાં `િસનાઈ'
પ્રદેશ ઉપર હુમલો કર્યો અને બ્રિટન-ફ્રાન્સે સુએઝ નહેરની સુરક્ષાના બહાને
સેના ઉતારી. આ સુએઝ નહેરનો ઇતિહાસ જાણવા જેવો છે : 1869માં ફ્રાન્સના ફર્ડિનાન્ડ ડી.
લેસેવ્સની દેખરેખ હેઠળ ઇજિપ્તના રણમાંથી માર્ગ બનાવીને એશિયા - આફ્રિકાને અલગ કર્યા.
ભૂમધ્ય સમુદ્રને હિંદ મહાસાગર સાથે જોડયો. અગાઉ એશિયા અને યુરોપ વચ્ચે મુસાફરી કરતાં
જહાજો આફ્રિકાના દક્ષિણ છેડા ઉપર `કેપ અૉફ ગુડ હોપ' સુધી ફરીને જવું પડતું હતું. સુએઝ નહેર શરૂ થયા પછી પ્રવાસનું અંતર 8900 કિ.મી. ઘટી ગયું. બ્રિટન માટે
તો આ નહેર તેના સામ્રાજ્યની લાઇફલાઇન બની ગઈ. ભારત આવવા માટે પશ્ચિમ એશિયાથી તેલ પુરવઠો
સરળ બની ગયો. 1950 સુધી `સુએઝ કેનાલ કંપની સરકાર'ના તાબામાં હતી. 1956માં બ્રિટિશ ફ્રેન્ચ દ્વારા
નહેર માટે સૈનિક કાર્યવાહી શરૂ થાય તેનો વિરોધ અમેરિકાના પ્રમુખ આઇઝેન હોવરે કર્યો.
આ હુમલાના પ્રતિકાર માટે નાસર સોવિયેત યુનિયનની સહાય મેળવે એવી શક્યતા હતી તે ટાળવા
અમેરિકાએ બ્રિટન ઉપર આર્થિક દબાણ શરૂ કર્યું. યુનાઇટેડ નેશન્સમાં પણ મામલો ગયો અને
આખરે બ્રિટન-ફ્રાન્સે પીછેહઠ કરી. અમેરિકા અત્યારે ઇરાનના શાસન અને શાસકોને બદલવા માગે
છે. સુએઝ કટોકટી વખતે બ્રિટન અને ફ્રાન્સે નાસરને ઉથલાવી નાખવા માટે ઇઝરાયલ સાથે જોઇન્ટ
અૉપરેશનની યોજના - કાવતરું હતું! પણ અમેરિકાના દબાણથી `યુદ્ધવિરામ' થયો અને 1957ના જાન્યુઆરીમાં બ્રિટિશ વડા
પ્રધાન એન્થની ઇડને આખરે રાજીનામું આપ્યું અને સુએઝ નહેર ફરીથી ખોલવામાં આવી. પણ કેનાલ
પાંચ મહિના સુધી સંપૂર્ણ બંધ રહી. યુરોપમાં તેલની ભારે અછત થઈ. બ્રિટનમાં તો રૅશનિંગ
કરવું પડયું... કેપ અૉફ ગુડ હોપના લાંબા માર્ગને કારણે શિપિંગ ખર્ચ વધ્યો! વીમાના દર
વધ્યા.