• બુધવાર, 30 એપ્રિલ, 2025

કોલકાતા સામે પંજાબનો 16 રને રોમાંચક વિજય

મુલ્લાનપુર, તા. 15 : આઇપીએલના ઇતિહાસના સૌથી ઓછા સ્કોરનો અભૂતપૂર્વ બચાવ કરીને કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સનો 16 રને યાદગાર અને રોમાંચક વિજય થયો હતો. પંજાબના 111 રનના જવાબમાં કોલકાતા ટીમ પણ ધરાશાયી થઇ હતી અને ફક્ત 9પ રનમાં 1પ.1 ઓવરમાં સમેટાઇ હતી. અગાઉ 2009માં સીએસકે ટીમે પંજાબ સામે તેના 116 રનના સ્કોરનો બચાવ કરીને 24 રને જીત મેળવી હતી. પંજાબ તરફથી ચહલનો ચરખો ચાલ્યો હતો. તેણે 28 રનમાં 4 વિકેટ લીધી હતી. કેકેઆર તરફથી રઘુવંશીએ સૌથી વધુ 37 રન કર્યા હતા. અંતમાં રસેલ 17 રને આઉટ થયો હતો અને કેકેઆર 9પ રનમાં ડૂલ થઈ હતી. કોલકાતાએ આઠ વિકેટ 33 રનમાં ગુમાવી હતી. ચહલની ચાર વિકેટ ઉપરાંત માર્કો યાનસને ત્રણ વિકેટ લીધી હતી. અગાઉ પંજાબના વિના વિકેટે 39 રન હતા. આ પછી વધુ 72 રનમાં તમામ 10 વિકેટ ગુમાવી હતી. કોલકાતા નાઇટ રાઇડર્સે તેની પાછલી મેચમાં સીએસકે ટીમને નવ વિકેટે 103 રને અટકાવી હતી અને મંગળવારે પંજાબને 111 રનમાં ડૂલ કરી હતી. સીએસકે વિરુદ્ધ કેકેઆરનો પ9 દડા બાકી રહેતાં આઠ વિકેટે વિજય થયો હતો. ટોસ જીતી બેટિંગ લેનાર પંજાબ કિંગ્સની શરૂઆત મધ્યમ રહી હતી અને પહેલી વિકેટમાં 20 દડામાં 39 રનની ભાગીદારી થઇ હતી, પરંતુ ઇનિંગ્સની ચોથી ઓવરમાં પ્રિયાંશ આર્ય (22) અને કેપ્ટન શ્રેયસ અય્યર (0) આઉટ થતાં પંજાબ ટીમની ચલતી કા નામ ગાડી શરૂ થઇ હતી. આ બંને શિકાર હર્ષિત રાણાએ કર્યા હતા. આ પછી કોલકાતાના બે મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણની ફિરકીમાં પંજાબના બેટધરો ફસાયા હતા અને એક પછી એક આઉટ થતાં રહ્યા હતા. ઓપનર પ્રભસિમરન સિંઘ 1પ દડામાં બે ચોગ્ગા, ત્રણ છગ્ગાથી પાવરપ્લેના આખરી દડે આઉટ થયો હતો, તેની વિકેટ પણ રાણાએ લીધી હતી. જોશ ઇંગ્લીશ બે રને, નેહલ વઢેરા 10, આઉટ ઓફ ફોર્મ મેક્સવેલ સાત અને પહેલી મેચ રમી રહેલ શ્રેયસ શેગડે ચાર, શશાંકસિંહ 18, યાનસન એક અને અર્શદીપ એક રને આઉટ થયા હતા. ઝેવિયર બારટેલ 11 રને નોટઆઉટ રહ્યો હતો. કેકેઆર તરફથી રાણાની ત્રણ વિકેટ અને ચક્રવર્તી-નારાયણની બે-બે વિકેટ રહી હતી. વૈભવ અરોરા અને એનરિક નોત્ઝેને એક-એક વિકેટ મળી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd