• સોમવાર, 16 માર્ચ, 2026

પૂર્વ કચ્છ પોલીસે એક વર્ષમાં 722 કરોડની જમીન ખાલી કરાવી

ગાંધીધામ, તા. 15 : રાજ્ય સરકાર દ્વારા 100 કલાકની અંદર અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરી તેમની સામે કાર્યવાહી કરવાના આદેશને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષ દરમ્યાન પૂર્વ કચ્છ પોલીસે 142 બિનઅધિકૃત દબાણ હટાવી 515 એકર રૂા. 722 કરોડની જમીન ખાલી કરાવી હતી. આ દરમ્યાન અંજાર ખાતે સરકારી જમીન પરથી દબાણ હટાવી ત્યાં પોલીસચોકીનું નિર્માણ કરાયું હતું અને કુલ 421નાં વીજજોડાણ કાપી નખાયાં હતાં. એક વર્ષ અગાઉ રાજ્ય સરકાર દ્વારા રાજ્યની પોલીસને આદેશ કરવામાં આવ્યો હતો, જેમાં વારંવાર શરીર સંબંધી, ખંડણી ઉઘરાવવા, ધાકધમકી, મિલકત વિરોધી, દારૂ, જુગાર, ખનિજચોરી કે અન્ય કોઈ પણ અસામાજિક કૃત્ય કરી જનતામાં ભયની લાગણી ફેલાવનારા શખ્સો, અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરી 100 કલાકમાં આ યાદી ઉપરી રાહે મોકલવા આદેશ કરાયો હતો. આવા તત્ત્વોનાં દબાણો, બિનઅધિકૃત વીજજોડાણો, તેમના બેંક ખાતાંઓમાં નાણાકીય વ્યવહારો, પાસા, તડીપાર વગેરેની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસે આ આદેશનાં પગલે અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરી હતી અને આવાં તત્ત્વો સામે કાર્યવાહી કરી હતી, જેમાં અંજારમાં પાલિકાની જમીન ખાલી કરાવી ત્યાં પોલીસચોકી પાસ કરાવી પોલીસચોકીનું નિર્માણ કરાયું છે. પૂર્વ કચ્છ પોલીસે કુલ 142 દબાણો હટાવી રૂા. 722 કરોડની 515 એકર જમીન ખાલી કરાવી હતી તેમજ વીજતંત્ર સાથે રહી 421 વીજજોડાણ કપાવી નાખી કરોડોનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ યાદીમાં હજુ અમુક તત્ત્વો બાકાત છે. તેમના સામે કાર્યવાહી કરવાની તજવીજ ચાલુમાં હોવાનું જાણવા મળ્યું હતું. 

Panchang

dd