• રવિવાર, 15 માર્ચ, 2026

આધ્યાત્મિક ચેતનાની ભૂમિ

કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : વિખ્યાત સેવા સંસ્થા ઇશા ફાઉન્ડેશનના વડા સદ્ગુરુ જગ્ગી વાસુદેવ દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે કચ્છના રાજવી પરિવારનાં મહારાણી પ્રીતિદેવીને મળ્યા. કચ્છની ધરતી પર વિશ્વકક્ષાના આધ્યાત્મિક આશ્રમની સ્થાપના અંગે ચર્ચા કરી એ ઘટના મહત્ત્વની છે. કચ્છભૂમિ તેની ભૌગોલિક પોઝિશનને લીધે ગુજરાત અને દેશની સુરક્ષાના દૃષ્ટિકોણથી સંવેદનશીલ મનાતી રહી છે. અહીંની ધરતીની માટીમાં પુરુષાર્થ અને લડાયક અભિગમ ભારોભાર ભર્યો છે. ધરતી સત્ત્વશીલ... અને તે પણ કેવી... હળ - ટ્રેક્ટર ચલાવનારા મહેનતકશ કિસાન સારો વરસાદ થાય ત્યારે પુષ્કળ ગુણવત્તાયુક્ત પાક મેળવે છે. ખનિજ ઉત્ખનન દ્વારા કરોડો - અબજો રૂપિયાનું ટર્નઓવર થાય છે... ઇતિહાસ, કળા, સંસ્કૃતિ, પુરાતત્ત્વ, ધાર્મિક સ્થાનોએ કચ્છભૂમિને આગવું સ્થાન આપ્યું છે. આ બધાથી વિશેષ એક નોંધનીય વાત એ પણ છે કચ્છની આધ્યાત્મિક ચેતના. અનેક સંત - શૂરાઓએ કચ્છની ધરતી પર તપશ્ચર્યા કરીને આધ્યાત્મ ઊંચાઇ મેળવી છે. ધીણોધર તપોભૂમિ તરીકે પ્રખ્યાત છે. સૈકાઓ પહેલાં નાથયોગી ધોરમનાથજીએ ડુંગર પર ઉગ્ર તપ કર્યું હતું. અંજારમાં જેસલ - તોરલનાં બેસણાં છે. રણકાંધીએ ધ્રંગમાં મેકણદાદાએ રણમાં ભૂખ્યા - તરસ્યા ભટકતા માનવીઓને ખોરાક - પાણી પૂરું પાડવાની મહાન સેવાસાધના કરી હતી. નારાયણ સરોવરમાં આજે પણ મધુસૂદનલાલજી મહારાજ અને વાંઢાયમાં ગુરુ ઓધવરામ અને પૂ. વાલદાસજી મહારાજનું નામ શ્રદ્ધાભેર લેવાય છે. તપસ્વીઓ એવું કહે છે કે કચ્છની ધરતી ભલે ભૂસ્તરશાત્રની રીતે અશાંત કહેવાતી હોય, પણ અહીંના આધ્યાત્મિક તરંગો સશક્ત છે. બાડા સ્થિત વિપશ્યના ધ્યાન કેન્દ્ર વર્ષોથી દેશ - વિદેશના સાધકોને ખેંચી લાવે છે. સમર્પણ ધ્યાનના પ્રેરક યોગી શિવકૃપાનંદ સ્વામીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે કચ્છનું સફેદ રણ ઊર્જાનું અને શાંતિનો જબરજસ્ત સ્રોત છે. પ્રખર રામાયણી મોરારિબાપુ સમયાંતરે જ્ઞાનયજ્ઞ માટે કચ્છ ઉપર પસંદગી ઉતારે છે. જૈન સાધુ - સંતોએ ઉગ્ર તપશ્ચર્યાનો ઇતિહાસ નોંધાવ્યો છે. એટલે જ, સદ્ગુરુ જગ્ગી વાસુદેવને કચ્છની ધરતી પર પોકાર કરે એમાં કોઇ આશ્ચર્ય નથી. ઔદ્યોગિક વિકાસ પછી કચ્છ ઘણું લાઇમલાઇટમાં આવ્યું છે. મોટાં કોર્પોરેટ ગૃહોના સિનિયર અધિકારીઓ, માલિકોની આવ - જા વધી છે. ઇશા ફાઉન્ડેશનનાં કચ્છમાં આગમન માટે ઘણાં કારણો છે. જાણવા મળ્યા મુજબ આશ્રમ માટે માંડવીના સમુદ્રકાંઠે વિજય વિલાસ પેલેસ સદ્ગુરુની નજરમાં વસી ગયો છે. એ જગ્યા તેમને મળશે કે બીજે ક્યાંક સમુદ્રકાંઠે ઇશા ફાઉન્ડેશન સંકુલ આપશે એ હાલઘડીએ નક્કી નથી. યોગાનુયોગ એંસીના દાયકામાં વિજય વિલાસના સ્થળે રજનીશ આશ્રમ સ્થાપવાની સઘન હિલચાલ થઇ હતી. એ સમયે ભગવાન રજનીશના નજીક એવા અભિનેતા વિનોદ ખન્નાએ કચ્છ આવીને આશ્રમ માટે જગ્યા મેળવવા મહેનત કરી હતી. રજનીશજી પોતાના મુક્ત વિચારોને લઇને વિવાદમાં રહ્યા છે. માંડવીમાં એ સમયે વિરોધનો વંટોળ ઊઠયો હતો... ચિંતા એ હતી કે મુક્ત જાતીય સંબંધોના હિમાયતી રજનીશનો આશ્રમ વિજય વિલાસ પેલેસ પરિસરમાં સ્થપાશે અને હજારો વિદેશી ઊમટી પડશે તો ભારતીય સંસ્કૃતિનું ધનોતપનોત નીકળી જશે, સંસ્કારનું ધોવાણ થશે. રજનીશ આશ્રમની તરફેણ કરનારાની દલીલ એવી હતી કે તેઓ માંડવી આવશે તો  કમસે કમ દસેક હજાર દેશી - વિદેશી સાધકો સ્થાનિકે જ રહેશે, તેથી અર્થતંત્ર ધબકતું થશે. ટૂરિઝમનો વિકાસ થશે. આશ્રમ તરફથી એવીએ ખાતરી આપવામાં આવી હતી કે સમય જતાં માંડવી આસપાસ મેડિકલ કોલેજ, આધુનિક હોસ્પિટલનુંય નિર્માણ કરાશે. આ પ્રચાર ઝુંબેશમાં વિનોદ ખન્ના મુખ્ય હતા. સદ્ગુરુની સંસ્થાનું એક મથક કચ્છ ભૂમિ પર સ્થપાય તો તેનો ફાયદો થવાનો જ. જગ્ગી વાસુદેવ દિગ્ગજ આધ્યાત્મિક ગુરુ છે. ભારતીય યોગી, લેખક, વક્તા તરીકે દેશ-વિદેશમાં ભારે નામના. ઇશા ફાઉન્ડેશનના સ્થાપક છે. ત્રીજી સપ્ટેમ્બર-1957ના મૈસૂર ખાતે જન્મ. તેમનું જીવન યોગ માટે સમર્પિત. ઇશા ફાઉન્ડેશનના નેજા હેઠળ શિક્ષણ, પર્યાવરણ અભિયાન, સામાજિક વિકાસનાં કાર્યો મોટાપાયે કરવામાં આવી રહ્યાં છે. તેમને પદ્મવિભૂષણ સન્માન મળ્યું છે. જગ્ગી વાસુદેવ નાનપણથી સાહસિક. ખાવા-પીવાનું લઇને નિર્જન જંગલોમાં ઊતરી પડે... દિવસો સુધી... આસપાસ ઝેરીલા સાપ હોય, જંગલી પ્રાણીઓ હોય... જગ્ગી બેફિકર. મૈસૂરના ચામુંડા પહાડના રસ્તા છોડીને એ ઊબડખાબડ ટેકરીઓથી મોટરસાઇકલ પૂરપાટ ઉતારે. મૈસૂર વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજી ભાષા સાથે સ્નાતક થયા પછી જગ્ગીએ પોલ્ટ્રી ફાર્મનો વ્યવસાય શરૂ કર્યો, સાથે ઇંટના ભઠ્ઠા અને પાર્ટનરશિપમાં ઠેકેદારી પણ ચાલતી. કારોબાર ખૂબ સારો ચાલતો હતો... ને જીવનમાં પરિવર્તન આવ્યું. એ આધ્યાત્મિક અનુભવે બધું બદલી નાખ્યું. મૈસૂરના ચામુંડા પર્વત પર બેઠા હતા ને ધીરે-ધીરે ધ્યાન લાગી ગયું. એવો અહેસાસ થયો કે પોતે પ્રકૃતિમાં લીન થઇ ગયા છે. આંખ ખૂલી તો ખ્યાલ આવ્યો કે પૂરા ચાર કલાક વીતી ગયા. બીજીવાર એવી જ સમાધિ અવસ્થામાં લીન થયા ને બહાર આવ્યા ત્યારે ગળામાં પુષ્પમાળા. આસપાસ મોટી સંખ્યામાં લોકો બેઠા હતા. એ સમાધિ 13 દિવસની હતી. સદ્ગુરુએ નક્કી કર્યું કે, આ અદ્ભુત અનુભવ દુનિયામાં વહેંચવો છે. ધંધો સમેટી લીધો ને 1983માં પહેલીવાર યોગના વર્ગ શરૂ કર્યા. તેમની લોકપ્રિયતા વધતી ગઇ. છેવટે 1994માં તામિલનાડુના કોઇમ્બતુરમાં વેલ્લિયાંગિરિ પહાડો વચ્ચે જમીન ખરીદીને ઇશા યોગ કેન્દ્રની સ્થાપના કરી. ફાઉન્ડેશન ગ્રામીણ ભારતમાં શિક્ષણનું સ્તર સુધારવા ખૂબ સારું કામ કરી રહ્યું છે. નદી પુનર્જીવિત કરવી, વૃક્ષારોપણ, સજીવ ખેતી જેવાં કામો થકી દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવી. આજે અનેક દેશમાં ઇશા ફાઉન્ડેશનની હાજરી છે. આવી હસ્તી અને તેમના નેજા હેઠળની પ્રવૃત્તિનું કચ્છ સાથે જોડાણ થશે, તો એ આ ભૂમિ માટે સારું પુરવાર થશે. 

Panchang

dd