• સોમવાર, 16 માર્ચ, 2026

પાંચ રાજ્યમાં ચૂંટણીનો રણટંકાર

નવી દિલ્હી, તા.15 : પશ્ચિમ બંગાળથી લઈને આસામ સુધી ચાર રાજ્ય અને એક કેન્દ્રીય પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમનું આજે ચૂંટણીપંચે એલાન કરી દીધું હતું. આ કાર્યક્રમ મુજબ આસામ, કેરળ અને પુડુચેરીમાં 9મી એપ્રિલે મતદાન યોજાશે. તામિલનાડુમાં 23મી એપ્રિલે મતદાન થશે, જ્યારે એકમાત્ર પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન થશે. બંગાળમાં 23 અને 29મી એપ્રિલે મતદાન થશે. તમામ રાજ્યોનાં ચૂંટણી પરિણામો 4 મેના ઘોષિત કરવામાં આવશે. આ સાથે જ આ રાજ્યોમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. બંગાળના ચૂંટણીજંગ પર દેશભરની નજર રહેશે. આ ચૂંટણીમાં આશરે 17.4 કરોડ મતદારો દ્વારા પોતાના મતાધિકારનો પ્રયોગ કરવામાં આવશે. તમામ વિધાનસભાની કુલ 824 બેઠક માટે કુલ 2.19 લાખ મતદાન મથકો તૈયાર  કરવામાં આવ્યાં છે અને તેમાં 25 લાખ ચૂંટણી અધિકારીઓની તૈનાતી થશે. ચૂંટણી કાર્યક્રમની ઘોષણા કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે જણાવ્યું હતું કે, પંચે છેલ્લા કેટલાક દિવસોમાં તમામ રાજ્યોના પ્રવાસ કરીને તૈયારીઓની સમીક્ષા કરી છે. ચૂંટણીપંચની ટીમોએ આ રાજ્યોમાં જઈને રાજકીય દળો, અધિકારીઓ અને મતદારો સાથે પણ વાર્તાલાપ કર્યો હતો અને ચૂંટણીની તૈયારીની ખાતરી કરી હતી. આસામની 126 વિધાનસભા બેઠકો માટે એક તબક્કામાં 9મી એપ્રિલે મતદાન થશે. આવી જ રીતે કેરળની 140 બેઠકો માટે પણ 9 એપ્રિલે, તામિલનાડુની 234 બેઠકો માટે 23મી એપ્રિલે, પુડુચેરીની 30 બેઠક માટે 9 એપ્રિલે મતદાન યોજાશે. પાંચ વિધાનસભામાંથી એકમાત્ર પશ્ચિમ બંગાળની કુલ 294 બેઠક માટે 23 અને 29 એપ્રિલે એમ બે તબક્કામાં મતદાન યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત વખતે બંગાળમાં 8 તબક્કામાં મતદાન યોજાયું હતું. - ઉમરેઠમાં 23 એપ્રિલે યોજાશે પેટાચૂંટણી : અમદાવાદ, તા. 15 (અમારા પ્રતિનિધિ તરફથી) : દેશભરમાં અત્યારે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ચૂંટણી પંચે 4 મોટા રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવાની સાથે જ ગુજરાત માટે પણ એક મોટી જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ઉમરેઠ બેઠકના ધારાસભ્ય ગાવિંદભાઈ પરમારના અવસાનને કારણે આ બેઠક ખાલી પડી હતી. હવે આ બેઠક પર નવા ધારાસભ્યને ચૂંટવા માટે પેટાચૂંટણીનું રણાશિંગુ ફૂંકાઈ ગયું છે. ઉમરેઠમાં 23 એપ્રિલના રોજ મતદાન યોજાશે. ખાસ વાત એ છે કે આ પેટાચૂંટણીની મતગણતરી પણ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોની સાથે જ એટલે કે 4 મેના કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટેના ફોર્મ ભરવાથી લઈને પરિણામ સુધીનો જાહેર કરેલો સત્તાવાર કાર્યક્રમ જોઇએ તો, 30 માર્ચના દિવસે ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, જેની સાથે જ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. 6 એપ્રિલના રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ચૂંટણી લડવા માંગતા તમામ ઉમેદવારોએ આ તારીખ સુધીમાં પોતાનું ઉમેદવારી પત્ર (ફોર્મ) ભરીને જમા કરાવી દેવાનું રહેશે. 7 એપ્રિલે ફોર્મની ચકાસણી કરાશે. ઉમેદવારો દ્વારા ભરાયેલા ફોર્મમાં કોઈ ભૂલ તો નથી ને, તેની ચૂંટણી અધિકારીઓ દ્વારા ઝીણવટભરી ચકાસણી (ક્રૂટિની) કરવામાં આવશે. 9 એપ્રિલ ફોર્મ પાછું ખેંચવાનો દિવસ રહેશે. ઉમરેઠની બેઠક આમ તો ભાજપ હસ્તક રહી છે પરંતુ વિપક્ષ કોંગ્રેસ પણ આ બેઠક ભાજપ પાસેથી આંચકી લેવા તત્પર બન્યો છે અને અત્યારથી જ એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપ કોઇપણ ભોગે ઉમરેઠની બેઠક જવા દેવા માંગતી નથી અને અત્યારથી માઇક્રો પ્લાનીંગ કરી લીધું છે. 

Panchang

dd